Wednesday , 4 February 2026
Home ગુજરાત કેન્દ્રીય બજેટ દેશના સર્વાંગી વિકાસને નવી દિશા આપનારું : ભુરાભાઈ શાહ પ્રમુખ નવસારી જિલ્લા ભાજપ
ગુજરાત

કેન્દ્રીય બજેટ દેશના સર્વાંગી વિકાસને નવી દિશા આપનારું : ભુરાભાઈ શાહ પ્રમુખ નવસારી જિલ્લા ભાજપ

કેન્દ્રીય બજેટને નવસારી જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા આવકાર આપવામાં આવ્યો છે. બજેટ દેશના સર્વાંગી વિકાસને નવી દિશા આપનારું હોવાનું જિલ્લા ભાજપે જણાવ્યું હતું. નવસારી જિલ્લા ભાજપ પ્રમુખ ભુરાભાઈ શાહે જણાવ્યું હતું કે કિસાન, યુવા, મહિલા અને મધ્યવર્ગને કેન્દ્રમાં રાખીને તૈયાર કરાયેલું આ બજેટ સર્વસમાવેશક અને વિકાસલક્ષી છે.

આ પ્રસંગે બજેટના મહત્વના આર્થિક મુદ્દાઓ અંગે વિગતવાર માહિતી આપતા નવસારીના જાણીતા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ વિનોદભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે CNG અને બાયોગેસના ભાવમાં ઘટાડાથી નાના વેપારીઓ, ટ્રાન્સપોર્ટરો તેમજ સામાન્ય જનતાને સીધો મોટો લાભ મળશે. ઇંધણ ખર્ચ ઘટતા પરિવહન અને ઉત્પાદન ખર્ચમાં રાહત મળશે, જેના કારણે મોંઘવારી પર અંકુશ આવશે અને અર્થવ્યવસ્થામાં સ્થિરતા આવશે.

વિનોદભાઈ દેસાઈએ વધુમાં જણાવ્યું હતું કે બજેટમાં સ્થાનિક ઉદ્યોગો, MSME સેક્ટર અને સ્ટાર્ટઅપ્સને મજબૂત પ્રોત્સાહન આપવામાં આવ્યું છે, જેના કારણે ઉદ્યોગો વધુ સશક્ત બનશે અને નવી રોજગારીની તકો ઊભી થવાની સંભાવના પણ વધશે. મેડિકલ ક્ષેત્રે પણ આ બજેટ મહત્વપૂર્ણ હોવાનું જણાવતા તેમણે કહ્યું હતું કે કેન્સર સહિત ગંભીર બીમારીઓના દર્દીઓ માટે આ બજેટ આશીર્વાદરૂપ સાબિત થશે. હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વધુ મજબૂત બનતા સામાન્ય નાગરિકોને ગુણવત્તાયુક્ત અને સુલભ સારવાર ઉપલબ્ધ બનશે.

નવસારી કમલમ ખાતે યોજાયેલા આ પ્રસંગે નવસારીના ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ, નવસારી ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ રાજેન્દ્ર દેરાસરિયા, નવસારીના જાણીતા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ વિનોદભાઈ દેસાઈ, નવસારી GIDC એસોસિએશનના મનોજ ખટવાણી, ક્રેડાઈ ગુજરાતના ઉપપ્રમુખ ભરતભાઈ સુખડિયા, તેમજ સી.એ. ભદ્રેશભાઈ સોની સહિત જિલ્લા ભાજપના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Related Articles

ગુજરાત

ગણદેવી તાલુકા અનાવિલ મંડળ દ્વારા તેજસ્વી તારલાઓનો સન્માન સમારંભ યોજાયો

ગણદેવી તાલુકા અનાવિલ મંડળ દ્વારા અનાવિલ વાડી, ગણદેવી ખાતે તેજસ્વી તારલાઓના સન્માન...