શુક્રવારે કાશ્મીરમાં એક વિસ્ફોટમાં પહેલગામ હુમલા સાથે જોડાયેલા લશ્કર-એ-તૈયબાના બે આતંકવાદીઓના ઘર ધરાશાયી થયા હતા. સેનાના સૂત્રોએ જણાવ્યું હતું કે સવારે ત્રાલમાં આસિફ શેખ અને અનંતનાગના બિજબેહરામાં આદિલ થોકરના ઘરે સર્ચ ઓપરેશન ચાલી રહ્યું હતું.
ઓપરેશન દરમિયાન બંને ઘરમાંથી વિસ્ફોટકો મળી આવ્યા હતા. સૈનિકો સલામતી માટે પાછળ હટી ગયા અને આ દરમિયાન વિસ્ફોટ થયો હતો. વિસ્ફોટમાં બંને ઘર સંપૂર્ણપણે નાશ પામ્યા હતા.
બીજી તરફ, બાંદીપોરામાં ચાલી રહેલા એન્કાઉન્ટરમાં એક આતંકવાદી ઠાર મરાયો છે. જયારે સેનાના બે સૈનિકો પણ ઘાયલ થયા છે. આતંકવાદીઓ છુપાયા હોવાની માહિતી મળ્યા બાદ શુક્રવારે સવારથી જ અહીં સર્ચ ઓપરેશન ચાલી રહ્યું હતું. એન્કાઉન્ટર હજુ પણ ચાલુ છે.
શુક્રવારે સવારે પાકિસ્તાની સેનાએ નિયંત્રણ રેખા (LoC) પરના ઘણા વિસ્તારોમાં ગોળીબાર પણ કર્યો હતો. ભારતીય સેનાએ તરત જ જવાબ આપ્યો હતો. તમને જણાવી દઈએ કે 22 એપ્રિલના રોજ બપોરે પહેલગામની બૈસરન ખીણમાં આતંકવાદીઓએ પ્રવાસીઓ પર ગોળીબાર કર્યો હતો. આ હુમલામાં 27 પ્રવાસીઓ માર્યા ગયા હતા. ૧૦ થી વધુ ઘાયલ થયા છે.
સેના પ્રમુખ શ્રીનગર પહોંચ્યા, રાહુલ ગાંધી પણ પહેલગામ જશે
આર્મી ચીફ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી શ્રીનગર પહોંચી ગયા છે. તેઓ આજે પહેલગામ અધિકારીઓ સાથે બેઠક કરશે. કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી પણ પહેલગામ હુમલાના ઘાયલોને મળશે. તે અનંતનાગ જવા રવાના થયા હતા.
બીજી તરફ, સિંધુ જળ સંધિ અંગે આજે ગૃહમંત્રી અમિત શાહના નિવાસસ્થાને એક મહત્વપૂર્ણ બેઠક યોજાશે. ગુરુવારે જ ભારતે પાકિસ્તાનને આ સંધિ સસ્પેન્ડ કરવાની જાણ કરી હતી.
