• Mon. Nov 17th, 2025

Dakshin Gujarat Vartman

નીડર અને નિષ્પક્ષ અખબાર...

Gujarat : લીંમડી વિધાનસભા ક્ષેત્રના સુદામડા ગામે આમ આદમી પાર્ટી દ્વારા ખેડૂત મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું.

Gujarat : રાજ્યમાં ખેડૂતોના હિતને લઇ રાજકીય ગરમાવો વધ્યો છે. આવતીકાલે (31 ઓક્ટોબર) લીંમડી વિધાનસભા ક્ષેત્રના સુદામડા ગામે આમ આદમી પાર્ટી (AAP) દ્વારા ખેડૂત મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું છે. આ મહાપંચાયતમાં AAPના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન પણ હાજર રહેશે. બોટાદના હડદડ ગામે મંજૂરી વિના યોજાયેલી મહાપંચાયત દરમિયાન થયેલા ઘર્ષણ પછી, આ વખતની સભા માટે પ્રશાસન તરફથી સત્તાવાર મંજૂરી આપવામાં આવી છે.

“આ વખતની મહાપંચાયત ઐતિહાસિક બનશે”: મનોજ સોરઠિયા

આમ આદમી પાર્ટીના પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠિયાએ જણાવ્યું કે, “સરદાર જયંતિના દિવસે યોજાનાર આ ખેડૂત મહાપંચાયતને પ્રશાસનની મંજૂરી મળી છે. ગુજરાતના ખેડૂતોના હક માટે આ લડત હવે નિર્ણાયક ચરણમાં છે. જો સરકાર ખેડૂતોની માંગણીઓ સ્વીકારશે નહીં તો આગામી દિવસોમાં ખેડૂતો પોતાનો હક મેળવવા તાનાશાહી સરકારને ઉખાડી ફેંકશે.”

હડદડમાં થયેલા ઘર્ષણ બાદ પ્રશાસનની મંજૂરી મહત્વપૂર્ણ

યાદ રાખવા જેવી વાત એ છે કે, થોડા દિવસો અગાઉ બોટાદના હડદડ ગામે મંજૂરી વિના મહાપંચાયત યોજાઈ હતી, જેના કારણે ખેડૂતો અને પોલીસે વચ્ચે ભારે તણાવ સર્જાયો હતો. પોલીસ પર પથ્થરમારો અને વાહનો ઉથલાવવાની ઘટનાઓ સામે આવી હતી. ત્યારબાદ પોલીસએ ખેડૂતો અને AAP નેતાઓ સામે ફરિયાદ દાખલ કરી હતી.

ખેડૂતોની સમસ્યાઓ અને APMCમાં કડદા પ્રથાનો વિરોધ મુદ્દે ચર્ચા

મહાપંચાયત દરમિયાન રાજ્યભરના ખેડૂતોને ભેગા કરી APMCમાં ચાલતી કડદા પ્રથા સમાપ્ત કરવાની માંગણી ઉઠાવવામાં આવશે. આમ આદમી પાર્ટીનું કહેવું છે કે, હાલની નીતિઓ ખેડૂતોના હિતમાં નથી અને સરકાર ખેડૂતોની વાસ્તવિક સમસ્યાઓ પ્રત્યે સંવેદનશીલ નથી. મહાપંચાયતમાં ખેડૂતોના પ્રશ્નો, ભાવાનુમાન, ખરીદી વ્યવસ્થા અને MSP સંબંધિત મુદ્દાઓ પર ચર્ચા થવાની શક્યતા છે.

રાજ્યભરના ખેડૂતોને ઉપસ્થિત રહેવા અપીલ

હાલની પરિસ્થિતિમાં પ્રશાસન તરફથી મળેલી મંજૂરી બાદ AAPએ મહાપંચાયતને લઈને મોટા સ્તરે તૈયારી શરૂ કરી છે. પાર્ટી નેતાઓએ રાજ્યભરના ખેડૂતોને સુદામડા ગામે ઉપસ્થિત રહેવા અપીલ કરી છે અને જણાવ્યું છે કે આ સભા ખેડૂતોના હિત માટેનો ઐતિહાસિક મંચ સાબિત થશે.