Gujarat : વડોદરા મહાનગરપાલિકાએ શહેરના ગોત્રી વિસ્તારમાં યુવા ક્રિકેટરો માટે વિશ્વ સ્તરની સુવિધાઓ ધરાવતું નવું ક્રિકેટ ગ્રાઉન્ડ બનાવવા માટે તૈયારીઓ પૂર્ણ કરી છે. લગભગ બે મહિનામાં આ પ્રોજેક્ટનું નિર્માણ કાર્ય શરૂ થશે અને જૂન 2027 સુધીમાં પૂર્ણ કરવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે.
આ મેદાન વડોદરા શહેરના ક્રિકેટ ઈતિહાસમાં નવો અધ્યાય લખશે. શહેરે ઇરફાન પઠાણ, યુસુફ પઠાણ જેવા દિગ્ગજ ખેલાડીઓ આપ્યા છે અને હાલ પણ સૈંકડો યુવાનો ક્રિકેટમાં કારકિર્દી બનાવવા માટે તત્પર છે. આ નવું ગ્રાઉન્ડ તેમને તાલીમ અને મેચ માટે ઉત્તમ માહોલ પૂરો પાડશે.
ગોત્રીમાં 41,707 ચો.મી. જમીન પર થશે નિર્માણ
આ આધુનિક ક્રિકેટ મેદાન ટી.પી. સ્કીમ-10, એફ.પી. નંબર-128 ખાતે 41,707 ચો.મી. વિસ્તારમાં બનશે. મેદાનમાં કુલ 11 પ્રેક્ટિસ પીચ, પ્રીમિયમ ડ્રેસિંગ રૂમ, ડિજિટલ સ્કોરબોર્ડ, નાઈટ મેચ માટે ફ્લડલાઈટ સિસ્ટમ, તેમજ સ્ટેન્ડ અને બેસવાની સુવિધા પણ ઉપલબ્ધ રહેશે.
સ્થાનિક ખેલાડીઓ માટે તાલીમ કેન્દ્ર સાથે ફિટનેસ ઝોન અને રેઇનવોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ જેવી પર્યાવરણમૈત્રી સુવિધાઓનો પણ સમાવેશ કરવામાં આવશે.

મહાનગરપાલિકાનો સ્પોર્ટ્સ ડેવલપમેન્ટ તરફ મોટો પગલુ
વડોદરા મહાનગરપાલિકાએ શહેરના વિવિધ વિસ્તારોમાં રમતગમત સુવિધાઓને વધુ આધુનિક બનાવવા માટે એક વ્યાપક યોજના તૈયાર કરી છે. આ પ્રોજેક્ટ પણ તે જ યોજના હેઠળનો ભાગ છે.
મહાનગરપાલિકા અધિકારીએ જણાવ્યું.
“ગોત્રી ક્રિકેટ ગ્રાઉન્ડ વડોદરાની સ્પોર્ટ્સ ઓળખને નવી ઊંચાઈ પર લઈ જશે. અહીં તાલીમ લેતા યુવાનોને રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે પોતાનું ટેલેન્ટ બતાવવાની તક મળશે.”
2027 સુધીમાં પ્રોજેક્ટ પૂર્ણ કરવાનો લક્ષ્યાંક
આ પ્રોજેક્ટનું નિર્માણ કાર્ય આગામી બે મહિનામાં શરૂ થશે અને મહાનગરપાલિકાએ જૂન 2027 સુધીમાં પૂર્ણ કરવાનો લક્ષ્યાંક નક્કી કર્યો છે. નિર્માણ માટે જરૂરી ટેન્ડર પ્રક્રિયા અંતિમ તબક્કે છે.
મેદાન તૈયાર થયા બાદ વડોદરામાં રાજ્યસ્તરીય ટુર્નામેન્ટ, આંતર-વિભાગીય સ્પર્ધાઓ અને નાઈટ મેચનું આયોજન શક્ય બનશે.

શહેરના યુવા ક્રિકેટરો માટે સુવર્ણ તક
નવું મેદાન વડોદરાના યુવા ક્રિકેટરો માટે આશાનો કિરણ બની રહેશે. હાલ શહેરમાં ઉપલબ્ધ મેદાનોની મર્યાદાને કારણે ખેલાડીઓને તાલીમ અને મેચ માટે મુશ્કેલીઓ આવી રહી છે. આ નવા મેદાનથી તે ખોટ પૂરી થશે અને વડોદરા ક્રિકેટ હબ તરીકે વધુ મજબૂત બનશે.
