• Wed. Oct 8th, 2025

Dakshin Gujarat Vartman

નીડર અને નિષ્પક્ષ અખબાર...

Gujarat : દિવાળીમાં ભરૂચ એસટી વિભાગનું મોટું આયોજન, 332 વધારાની બસ ટ્રીપો શરૂ.

Gujarat : દિવાળીના તહેવારની શરૂઆત નજીક આવતાં જ વતન જવા ઉત્સુક શ્રમયોગીઓ માટે ભરૂચ એસટી વિભાગે વિશાળ આયોજન હાથ ધર્યું છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ મુસાફરોને કોઈ તકલીફ ન પડે તે માટે વિભાગ દ્વારા 16થી 26 ઑક્ટોબર દરમ્યાન કુલ 332 વધારાની એસટી બસ ટ્રીપો ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

ભરૂચ જિલ્લા ડિવિઝન કન્ટ્રોલર આર.પી. શ્રીમાળીએ જણાવ્યું હતું કે, દિવાળી દરમ્યાન વધતા ટ્રાફિકને પહોંચી વળવા માટે ભરૂચ ભૌલાવ બસ સ્ટેન્ડ, GNFC સ્ટેન્ડ, અને અંકલેશ્વર GIDC સ્ટેન્ડ પરથી વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે.

સૌથી મોટી ખુશખબર એ છે કે  આ વર્ષે એસટી ભાડામાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી, એટલે મુસાફરો માટે રાહતનો શ્વાસ.
તે ઉપરાંત “એસટી આપના દ્વારે” અભિયાન અંતર્ગત ગ્રુપ બુકિંગ દ્વારા શ્રમયોગીઓને તેમના કાર્યસ્થળ પરથી સીધા તેમના વતન સુધી સુરક્ષિત રીતે પહોંચાડવાની સુવિધા પણ ઉપલબ્ધ રહેશે.

આ વિશેષ બસો ભરૂચ, અંકલેશ્વર, જંબુસર, રાજપીપળા અને ઝઘડિયા જેવા મુખ્ય ડેપોથી રવાના થશે. દિવાળી પહેલા તેમજ ભાઈબીજ પછી પણ “લાભ પાંચમ” સુધી બસોની વધારાની સેવા ચાલુ રહેશે, જેથી વતન જવા અને પાછા ફરવાની મુસાફરી સરળ બને.

વિભાગે જનતાને અપીલ કરી છે કે દિવાળીના આ પર્વ દરમિયાન વધુમાં વધુ લોકો સરકારી એસટી બસ સેવાનો લાભ લે, સુરક્ષિત રીતે વતનમાં જઈ પરિવાર સાથે તહેવારની ઉજવણી કરે.