Gujarat : ગુજરાત કોમન એડમિશન સર્વિસિસ પોર્ટલ (જીકાસ) પર આધારિત વર્ષ 2025-26ની સ્નાતક (UG) અને અનુસ્નાતક (PG) કક્ષાની પ્રવેશ પ્રક્રિયાના અનુસંધાને સ્પેશિયલ કોમન ફેઝ એડમિશન રાઉન્ડની શરૂઆત આજે કરવામાં આવી છે, જે 16 ઑક્ટોબર સુધી ચાલુ રહેશે.
આ રાઉન્ડમાં તેઓ વિદ્યાર્થીઓને તક મળશે જેઓ અત્યાર સુધી પ્રવેશથી વંચિત રહ્યા છે જેમ કે પૂરક પરીક્ષા પાસ કરનારા, અગાઉ રજીસ્ટ્રેશન ન કરાવનાર, મેડિકલ કે ઈજનેરી જેવા અન્ય કોર્સમાં પ્રવેશ ન મળ્યો હોય અથવા ઓછા ટકા છતાં મેરીટમાં સ્થાન ધરાવતા વિદ્યાર્થીઓ.
આ રાઉન્ડ હેઠળ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી (VNSGU) સહિત રાજ્યની વિવિધ સરકારી યુનિવર્સિટીઓની ખાલી બેઠકો પર પ્રવેશ પ્રક્રિયા હાથ ધરાશે.
જીકાસ પ્રવેશ કમિટીના જણાવ્યા મુજબ, કેટલાક વિદ્યાર્થીઓએ પહેલાના રાઉન્ડમાં માત્ર એક જ કોલેજ કે પ્રોગ્રામ પસંદ કર્યા હતા, જેના કારણે તેઓને મેરીટ કટ ઑફ કરતા ઓછા માર્ક્સ મળતાં પ્રવેશ ન મળ્યો. રાજ્ય સરકારે શૈક્ષણિક હિતમાં તેમને કોલેજની પસંદગી સુધારવાની તક આપી હતી, પરંતુ ઘણા વિદ્યાર્થીઓએ તેનો લાભ લીધો ન હતો.
હવે, આ સ્પેશિયલ કોમન ફેઝ રાઉન્ડ મારફતે એ બધા વિદ્યાર્થીઓને ફરીથી પ્રવેશ કન્ફર્મ કરવાની તક આપવામાં આવી રહી છે.
વિદ્યાર્થીઓએ પોતાના ડોક્યુમેન્ટ્સ અને જરૂરી માહિતી સાથે જીકાસ પોર્ટલ

પર જઈ રજીસ્ટ્રેશન અને વિકલ્પોની પસંદગી કરી શકશે. આ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ દરેક યુનિવર્સિટી પોતાની ખાલી બેઠકો પ્રમાણે અંતિમ મેરીટ લિસ્ટ જાહેર કરશે.
શૈક્ષણિક તંત્રના અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ પગલાથી રાજ્યની યુનિવર્સિટીઓમાં ખાલી બેઠકોમાં નોંધપાત્ર ઘટાડો થશે અને વધુ વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણની તક મળશે.
