Gujarat : નવસારી જિલ્લામાં એક દિવસના વિરામ બાદ ફરી કમોસમી વરસાદ શરૂ થતા ખેડૂતોની હાલત વધુ કફોડી બની છે. વહેલી સવારથી ધીમી ધારે વરસી રહેલા વરસાદને કારણે શહેરના તીઘરા જકાત નાકા, સ્ટેશન રોડ, મંકોડીયા ગ્રેટ રોડ સહિતના વિસ્તારોમાં પાણી ભરાઈ ગયાં છે. હવામાન વિભાગની આગાહી મુજબ આવો વરસાદ પાંચમી નવેમ્બર સુધી ચાલુ રહેવાની શક્યતા છે.
લો વિઝિબિલિટીથી વાહનચાલકોને મુશ્કેલી
વરસાદને કારણે શહેરમાં લો વિઝિબિલિટી સર્જાતા વાહનચાલકોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ટ્રાફિક વિભાગે નાગરિકોને ધીમે વાહન ચલાવવાની અપીલ કરી છે.
ખેતીવાડી વિભાગનો સર્વે પ્રભાવિત થવાની આશંકા
હાલમાં જિલ્લાના ખેતીવાડી વિભાગ દ્વારા કમોસમી વરસાદથી થયેલા પાક નુકસાનના પ્રાથમિક સર્વેની કામગીરી ચાલી રહી છે, પરંતુ વરસાદ ફરી શરૂ થતાં આ કામગીરીમાં વિલંબ થવાની સંભાવના છે.
ખેતીવાડી અધિકારી અતુલ ગજેરાએ જણાવ્યું કે,
“વરસાદ ફરી શરૂ થતાં ખેતરોમાં પાણી ભરાઈ ગયાં છે. ઘણી જગ્યાએ ઊભો પાક આડો પડી ગયો છે. હાલ તબક્કાવાર સર્વેની પ્રક્રિયા ચાલુ છે અને ખેડૂતોને યોગ્ય સહાય મળે તે દિશામાં સરકાર પ્રતિબદ્ધ છે.”
ડાંગર, શાકભાજી અને બાગાયતી પાકોને નુકસાન
ખેતીવાડી વિભાગના પ્રાથમિક અહેવાલ મુજબ ડાંગર, શાકભાજી, ચીકુ તેમજ આગામી કેરીના પાકને આ વરસાદ આફતરૂપ સાબિત થઈ રહ્યો છે. ઘણા ખેડૂતોના ખેતરોમાં ઊભા પાક પાણીમાં તણાઈ ગયા છે, જ્યારે કાપેલું ડાંગર પલળી જતાં તેની ગુણવત્તા બગડી રહી છે. આવનારા દિવસોમાં જો વરસાદ ચાલુ રહે તો પાકને વધુ નુકસાન થવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી છે.

ખેડૂતોની ચિંતા વધતી
જિલ્લાના ખેડૂતો કહે છે કે આ અણધાર્યો વરસાદ હવે આશીર્વાદ નહીં પરંતુ આફત બની રહ્યો છે. એક ખેડૂતએ જણાવ્યું —
“પહેલા વરસાદે પાકને નુકસાન પહોંચાડ્યું, હવે આ વરસાદે બાકી આશા પણ ધોઈ નાખી. હવે સરકાર તરફથી તાત્કાલિક સહાયની જરૂર છે.”
