Gujarat : રાજ્ય સરકારે ભારે વરસાદને કારણે ખેડૂતોને થયેલા પાકના નુકસાનને પહોંચી વળવા માટે જાહેર કરેલા ₹10,000 કરોડના રાહત પેકેજનો સારો પ્રભાવ નવસારી જિલ્લામાં પણ જોવા મળી રહ્યો છે. જિલ્લાના ખેડૂતો આ પેકેજને આનંદ અને રાહતના અનુભવ સાથે આવકારી રહ્યા છે. ખાસ કરીને, પિયત અને બિન-પિયત જમીનનો ભેદ રાખ્યા વિના પ્રતિ હેક્ટર ₹22,000ની સહાય આપવામાં આવે છે, જે અગાઉની ₹17,000ની સહાયની સરખામણીએ નોંધપાત્ર વધારો છે. ખેડૂતોનું કહેવું છે કે આ સહાય આગામી ઉનાળુ પાકના વાવેતર અને બીજ-ખાતરની ખરીદી માટે ખૂબ મદદરૂપ થશે.
નવસારી જિલ્લામાં તાજેતરના ભારે વરસાદને કારણે ડાંગર, શેરડી, શાકભાજી અને ફળ પાકોને મોટાપાયે નુકસાન થયું હતું. અંદાજ મુજબ જિલ્લામાં કુલ 37,000 હેક્ટર ખેતી વિસ્તારમાં પાકને નુકસાન થયું છે, જેનું આર્થિક મૂલ્યાંકન ₹38.30 કરોડ જેટલું થાય છે. ખેડૂતોએ એ પણ રજૂ કર્યું છે કે વરસાદ અને ભેજને કારણે **ડાંગરના પૂરેટિયા (પરાળ)**ને પણ નુકસાન થયું છે, જેનાથી હવે પશુપાલકો માટે ચારાનો સંકટ ઊભો થઈ શકે છે. જેના પરિણામે ચારાના ભાવમાં વધારો થવાની શક્યતા છે. આથી, ખેડૂતો પૂરેટિયા માટે પણ સહાયની જરૂરિયાત વ્યક્ત કરી રહ્યા છે. તેમજ એક જ ખેડૂતના અલગ અલગ સર્વે નંબરોના ખેતરોને પણ સહાયમાં ગણવામાં આવે તેને લઈ માંગ ઉઠી છે.
ખેડૂત હરીશભાઈએ જણાવ્યું કે રાજ્ય સરકારે આપેલું આ પેકેજ ખરેખર સરકારની ખેડૂતો પ્રત્યેની સંવેદનશીલતા દર્શાવે છે. નાના ખેડૂત, જેઓ પાસે બે-ત્રણ વિઘાની જમીન જ હોય અને જેમનું આખું ઘર ખેતી પર જ નિર્ભર હોય, તેમના માટે આ સહાય જીવનરેખા સમાન છે. તેમણે જાણાવ્યું કે અધિકારીઓએ ગામડાઓમાં જઈને દરેક પાત્ર ખેડૂતને સહાય મળી રહી છે કે નહીં એની ખાતરી કરવી જોઈએ, જેથી કોઈ ખેડૂત છૂટી ન જાય. સાથે સાથે, હરીશભાઈએ સરકારને સૂચન કર્યું કે આવતા પાક માટે બિયારણ સબસિડી પર અથવા ઓછી કિંમતે ઉપલબ્ધ કરાવવું જોઈએ, જેથી ખેડૂત ઝડપથી ફરી વાવેતર શરૂ કરી શકે.

ખેડૂત પંજકભાઈએ પણ પેકેજની પ્રશંસા કરતા કહ્યું કે, યોગ્ય અને પારદર્શી સર્વે કરવામાં આવે તો ખેડૂતોને ખરેખર રાહત મળશે. દક્ષિણ ગુજરાતમાં ડાંગર મુખ્ય પાક છે, ખાસ કરીને મસૂરી જાત, પરંતુ પાક તૈયાર થતા પહેલા પડેલા સતત વરસાદે ખેડૂતોની કમર તોડી નાખી હતી. તેથી સરકારની આ સહાય સમયસર અને સકારાત્મક નિર્ણય ગણાય છે. તેમનું માનેવું છે કે પેકેજ માત્ર મદદ નથી, પરંતુ ખેડૂતોને ફરી ઉભા થવા માટેની હિંમત છે.
