Gujarat : રાજ્યમાં શિયાળાએ અસર દેખાડવાની શરૂઆત કરી દીધી છે અને છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ ઠંડો જિલ્લો અમરેલી રહ્યો છે. અમરેલીમાં લઘુત્તમ તાપમાન 13 ડિગ્રી સેલ્સિયસ નોંધાતા, શહેરે ઠંડી બાબતમાં નલિયા અને ગાંધીનગર જેવા હંમેશા ઉપર રહેતા વિસ્તારોને પણ પાછળ મૂકી દીધા છે.
નલિયામાં પણ ઠંડીનો ચમકારો યથાવત રહ્યો અને 13.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે. હાલ ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં તાપમાનનો પારો 20 ડિગ્રીની નીચે ઉતરી ગયો છે, જે દર્શાવે છે કે શિયાળાનો પ્રભાવ ઝડપથી વધી રહ્યો છે. વિશેષ કરી સવાર અને રાત્રીના સમયે ઠંડીનો તીવ્ર અહેસાસ થાય છે, જ્યારે બપોરના સમયે મહત્તમ તાપમાન સામાન્ય કરતા 3 ડિગ્રી જેટલું વધારે નોંધાતા બેવડી ઋતુની પરિસ્થિતિ ઉભી થઈ છે. એટલે કે સવાર ઠંડી, બપોરે ગરમી અને સાંજ ફરી ઠંડી.
હવામાન વિભાગનું માનવું છે કે શિયાળાનો ચમકારો હવે ધીમે ધીમે સમગ્ર રાજ્યમાં વકરશે અને આગામી સપ્તાહોમાં ઠંડીનો પારો વધુ નીચે ઉતરી શકે છે. આમ, અમરેલી સહિત ગુજરાતમાં શિયાળાએ સાચે જ દસ્તક આપી દીધી છે.

અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 14 ડિગ્રી, રાજકોટમાં 16.8 ડિગ્રી, સુરતમાં 18.2 ડિગ્રી અને ગાંધીનગરમાં 14.6 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે. વહેલી સવારે ઘણા વિસ્તારોમાં ધુમ્મસ છવાયેલું જોવા મળ્યું, જેના કારણે કામે જતાં લોકો અને વાહનચાલકોને ઠંડી અને ધૂમ્મસ બંનેનો સામનો કરવો પડ્યો. હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવના જણાવ્યા અનુસાર, આગામી દિવસોમાં રાજ્યમાં પવનની દિશા ઉત્તર-પૂર્વ તરફ રહેશે, જેના કારણે તાપમાનમાં હજુ 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થવાની આશા છે. એટલે કે સવાર અને રાત્રિના સમયે ઠંડી વધુ તેજ અનુભવાશે, જ્યારે બપોરે સામાન્ય ગરમી રહેશે.
