• Fri. Oct 3rd, 2025

Dakshin Gujarat Vartman

નીડર અને નિષ્પક્ષ અખબાર...

Gujarat : વડોદરામાં હેડ કોન્સ્ટેબલ દારૂ પીધેલી હાલતમાં પકડાયો.

Gujarat : વડોદરાથી ફરી એકવાર દારૂબંધીના કાયદાની હકીકત ખુલ્લી પડી છે. પૂર્વ વડોદરા ટ્રાફિક શાખામાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ સંજયસિંહ પ્રતાપસિંહ રાઠોડ ગઈકાલે રાત્રે દારૂના નશામાં ધૂત હાલતમાં ઝડપાયા હતા.

ચાપાનેર પોલીસ ચોકી પાસે નાગરિકો સાથે બોલાચાલી અને ગંદી ગાળો ભાંડતા જોવા મળતા તેમને લોકોએ પકડીને પોલીસના હવાલે સોંપ્યા હતા.

ચાપાનેર ચોકી પાસેનો બનાવ

ગઈ રાત્રે પેટ્રોલિંગ દરમિયાન સિટી વન મોબાઈલ ઓપરેટર અને ડ્રાઈવરે હેડ કોન્સ્ટેબલ રાઠોડને એક નાગરિક સાથે ઝઘડો કરતા જોયા હતા. સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે તેઓ અભદ્ર ભાષામાં ગાળો ભાંડી રહ્યા હતા.

પોલીસ કર્મચારીને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન તેમની આંખો લાલ હતી, શરીરનો સંતુલન બગડેલો હતો અને મોઢામાંથી દારૂની તીવ્ર વાસ આવતી હતી. પૂછપરછમાં રાઠોડે દારૂ પીવા માટેનું કોઈ પરમિટ ન હોવાનો સ્વીકાર કર્યો હતો.

અગાઉ પણ પોલીસકર્મી પકડાયા હતા.

ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલાં જ વરણામા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ અમિત પરમાર (ઉંમર 37) પણ નશાની હાલતમાં પકડાયા હતા. તેઓ પોતાની જ સોસાયટીમાં દારૂ પીધેલી હાલતમાં આવી સ્થાનિકો સાથે ઝઘડો કરતા હતા. ઘટનાનો વીડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ થતાં ચકચાર મચી હતી.

તપાસ ચાલુ

બે સ્થાનિક પંચોની હાજરીમાં થયેલી તપાસ બાદ પુષ્ટિ થઈ કે હેડ કોન્સ્ટેબલ દારૂના નશામાં હતા. હાલ તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

દારૂબંધી રાજ્યમાં અમલમાં હોવા છતાં વારંવાર પોલીસ જ નશામાં ઝડપાઈ રહી છે તે મુદ્દે લોકોમાં ચર્ચા અને નિંદા થઈ રહી છે.