Gujarat : મુંબઈના ન્હાવા શેવા પોર્ટ પરથી ચલાવવામાં આવેલા ઓપરેશન “ડીગી સ્કેપ” હેઠળ કસ્ટમ અને DRI (Directorate of Revenue Intelligence)ને મોટી સફળતા મળી છે. અધિકારીઓએ ચાર કન્ટેનરમાંથી ઇલેક્ટ્રોનિક સ્ક્રેપના રૂપમાં છુપાવવામાં આવેલ 23 કરોડ રૂપિયાના ઇ-વેસ્ટ ઝડપ્યા છે. જેમાં 17,760 લેપટોપ, 11,340 CPU અને 7,140 ચિપ્સ સહિતનો પ્રતિબંધિત માલ જપ્ત કરવામાં આવ્યો છે.
આ આયાતકાર સામે ગુનો નોંધાઈ ગયો છે અને મુખ્ય આરોપી સુરતના વેપારીને ઝડપીને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો છે.
ઇ-વેસ્ટની આયાત પર કડક પ્રતિબંધ
વિદેશ વેપાર નીતિ (FTP) 2023 મુજબ જૂના લેપટોપ, CPU અને અન્ય ઇલેક્ટ્રોનિક્સ સામાનની આયાત પર સ્પષ્ટ પ્રતિબંધ છે. આવી આયાત માટે BIS સલામતી અને લેબલિંગ ધોરણોનું પાલન ફરજિયાત છે, જે આ કિસ્સામાં ઉલ્લંઘન થયું હતું.
રિપેરિંગ કરીને ગરીબ દેશોમાં નિકાસ થતી હોય શકે
તપાસમાં અનુમાન છે કે ઝડપાયેલો સામાન રિપેર કરીને ફરીથી ગરીબ દેશોમાં નિકાસ થતો હોય શકે છે. અધિકારીઓ આ દિશામાં તપાસ શરૂ કરી છે. સાથે જ દેશમાં ઇ-વેસ્ટના ગેરકાયદેસર નિકાલ અને ડમ્પિંગ પાછળ સુવ્યવસ્થિત આંતરરાષ્ટ્રીય ગઠબંધન કાર્યરત હોવાની પણ શંકા વ્યક્ત કરવામાં આવી છે.
સુરતના વેપારીની ધરપકડ
DRIએ તપાસ દરમિયાન જાણ્યું કે આ સમગ્ર કૌભાંડનો માસ્ટર માઇન્ડ સુરતનો એક આયાતકાર છે, જે લાંબા સમયથી વિદેશથી સ્ક્રેપના નામે ઇ-વેસ્ટના કન્ટેનરો મંગાવી રહ્યો હતો. તેને ઝડપીને મુંબઈ લાવવામાં આવ્યો છે અને કોર્ટમાં રજુ કર્યા બાદ જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો છે.

એલ્યુમિનિયમ સ્ક્રેપના નામે ઇ-વેસ્ટ છુપાવ્યો હતો.
DRIને માહિતી મળી હતી કે સુરતના એક વેપારીએ વિદેશથી ઇલેક્ટ્રોનિક્સ કચરાનો મોટો જથ્થો “એલ્યુમિનિયમ સ્ક્રેપ” તરીકે જાહેર કરીને દેશમાં આયાત કર્યો છે. તપાસમાં ખુલ્યું કે કન્ટેનરના આગળના ભાગમાં એલ્યુમિનિયમનો ભંગાર રાખવામાં આવ્યો હતો જ્યારે પાછળના ભાગમાં લાખો રૂપિયાના ઇલેક્ટ્રોનિક ઉપકરણો સંતાડવામાં આવ્યા હતા.
ઇ-વેસ્ટ માફિયાના કનેક્શનની તપાસ
અધિકારીઓ હવે તપાસ કરી રહ્યા છે કે આ માલ ક્યાં અને કોને પહોંચાડવાનો હતો, અને અન્ય કેટલા કન્ટેનરો અગાઉ આવી જ રીતથી દેશમાં લાવવામાં આવ્યા છે. આ કેસના આધારે મોટા ભંગાર ધંધાર્થીઓ પર પણ કાર્યવાહી થવાની શક્યતા છે.