Gujarat : સુરત નજીક હજીરામાં આવેલી આર્સેલર મિત્તલ નિપ્પોન સ્ટીલ (AMNS) કંપનીના પ્લાન્ટમાં મંગળવારે સવારના સમયે એક ગંભીર દુર્ઘટના સર્જાઈ હતી. પ્લાન્ટના કોકો ગેટ પાસે કામ ચાલી રહ્યું હતું ત્યારે અચાનક ક્રેન ટાવર તૂટી પડતાં એક કામદારનું કરૂણ અવસાન થયું અને અન્ય ત્રણ જેટલા કામદારો ઘાયલ થયા. ઘટના બાદ સમગ્ર પ્લાન્ટ વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
મૃતક કામદારની ઓળખ
દુર્ઘટનામાં વિનોદ પાસવાન (ઉંમર 45) નામના કામદારનું મોત થયું છે. તે IDT સિમેન્ટેશન પ્લાન્ટેશન કોન્ટ્રાક્ટ હેઠળ કામ કરતો હતો. મૃતકના પરિવાર અંગે કંપની તરફથી હજી વિગત આપવામાં આવી નથી. અકસ્માતમાં ઘાયલ થયેલા અન્ય કામદારોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે.
સાથી કામદારોનો ખુલાસો
સાથી કામદાર આલમગિર શાહે જણાવ્યું હતું કે, “સવારે 8 વાગ્યે અમે તમામ સેફ્ટી પ્રોસેસ પૂર્ણ કર્યા બાદ કામ પર જઈ રહ્યા હતા. અચાનક જોરદાર અવાજ સંભળાતા બધા કામદારો ભાગ્યા. પરંતુ કેટલાક ત્યાં દોડી ગયા અને તેઓ ક્રેન ટાવર તૂટી પડતાં કચડાઈ ગયા. જેમાંથી એકનું મોત થયું છે અને કેટલાક ઘાયલ થયા છે.”

ઘટનાની પૃષ્ઠભૂમિ
માહિતી મુજબ, AMNS કંપનીના પ્રોજેક્ટમાં IDT સિમેન્ટેશન પ્લાન્ટેશનનું કામ ચાલી રહ્યું હતું. એન્જિનિયરોના જણાવ્યા પ્રમાણે, ક્રેન ઓપરેટર તરફથી થયેલી ભૂલને કારણે આ દુર્ઘટના બની હોવાનું પ્રાથમિક તારણ છે. ક્રેન ટાવરમાં ફસાઈ ગયેલી મશીનરી વિશે યોગ્ય સમયે જાણ ન કરવામાં આવતા અકસ્માત બન્યો હતો. કામ ચાલી રહ્યું હતું ત્યારે આખું ક્રેન ટાવર તૂટી પડતાં દુર્ઘટના સર્જાઈ હતી.
તપાસ શરૂ
ઘટનાની જાણ થતાં જ કંપનીના અધિકારીઓ અને પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. હાલ દુર્ઘટનાના ચોક્કસ કારણો શોધવા માટે તપાસ શરૂ કરવામાં આવી છે. સુરક્ષા વ્યવસ્થાને લઈને પણ પ્રશ્નો ઊભા થયા છે. મૃતકના પરિવારજનોમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.