Gujarat : ગુજરાતના બુલેટ ટ્રેન પ્રોજેક્ટને વધુ આધુનિક અને વ્યાપક બનાવવા માટે હવે સાબરમતી સ્ટેશનની આસપાસના વિસ્તારમાં સ્માર્ટ અર્બન ડેવલપમેન્ટ થવાની તૈયારી છે. જાપાનના અર્બન પ્લાનિંગ એક્સપર્ટ્સ સાથે મળીને ગુજરાત અર્બન ડેવલપમેન્ટ વિભાગે 2 કિલોમીટર વિસ્તાર માટે ડેવલપમેન્ટ પ્લાન તૈયાર કર્યો છે. આ વિસ્તારમાં હોટેલ, મોલ, બિઝનેસ સેન્ટર અને રેસ્ટોરાં જેવી આધુનિક સુવિધાઓ ઉભી કરાશે.
જાપાનના અર્બન એક્સપર્ટ્સ સાથે ખાસ સેમિનાર
રાજ્યના અર્બન ડેવલપમેન્ટ અને હાઉસિંગ વિભાગના અધિકારીઓ તથા જાપાનની 15 સભ્યોની અર્બન પ્લાનિંગ ટીમ વચ્ચે ખાસ સેમિનાર યોજાયો હતો. જેમાં બુલેટ ટ્રેન સ્ટેશનોની આસપાસ કયા પ્રકારનું ડેવલપમેન્ટ કરવું તે અંગે ચર્ચા થઈ. મુખ્ય ઉદ્દેશ્ય મુસાફરોને સરળતા, સમયની બચત અને કોમર્શિયલ એક્ટિવિટી દ્વારા રોજગારીના નવા અવસર ઉભા કરવાના છે.
“દરેક સ્ટેશનની આસપાસ 1.5 થી 2 કિમી વિસ્તાર ડેવલપ કરાશે”
એમ. થેન્નારસન, પ્રિન્સિપલ સેક્રેટરી, અર્બન ડેવલપમેન્ટ અને હાઉસિંગ ડિપાર્ટમેન્ટએ જણાવ્યું કે
“બુલેટ ટ્રેનના દરેક સ્ટેશનની આસપાસ 1.5 થી 2 કિલોમીટરના વિસ્તારનો વિકાસ કરાશે. તેમાં હોટેલ, મોલ અને બિઝનેસ સેન્ટર જેવી સુવિધાઓ હશે, જેથી મુસાફરોને ટ્રાવેલ, મીટિંગ અને રહેઠાણની તમામ સુવિધાઓ એક જ ઝોનમાં મળી રહે.”
તેમણે ઉમેર્યું કે સુરતમાં ખાસ ગ્રીન ફિલ્ડ સ્ટેશન તૈયાર થઈ રહ્યું છે, જ્યારે સાબરમતી સ્ટેશનની આસપાસના વિસ્તારો માટે અલગ માસ્ટર પ્લાન બનાવાયો છે.

પેડેસ્ટ્રિયન માટે ખાસ સુવિધા.
આ ડેવલપમેન્ટમાં પેડેસ્ટ્રિયન માટે ખાસ વોકવે અને કનેક્ટિવિટી ઝોન બનાવાશે, જેથી સ્ટેશન સુધી ચાલીને આવનારા લોકોને વાહનવ્યવહારની સમસ્યા ન પડે. હાલ સાબરમતી વિસ્તારમાં મોટાભાગના બાંધકામ પૂર્ણ થઈ ચૂક્યાં છે, છતાં આ વિસ્તારને વધુ સુવ્યવસ્થિત અને આધુનિક બનાવવા માટે આયોજન ચાલી રહ્યું છે.
ડેવલપમેન્ટથી રોજગારીમાં વધારો.
આ પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ આસપાસના વિસ્તારોમાં હોટેલ, શોપિંગ મોલ અને રેસ્ટોરાંના કારણે મોટી સંખ્યામાં રોજગારી સર્જાશે. રાજ્ય સરકારનું માનવું છે કે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માત્ર મુસાફરી પૂરતો જ નહીં, પણ અર્થતંત્ર અને શહેરોના ડેવલપમેન્ટ માટે પણ ગેમ ચેન્જર સાબિત થશે.
