Gujarat : નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના રાણી ફળિયા વિસ્તારમાં વન વિભાગે દીપડાના ચામડાની ગેરકાયદેસર હેરાફેરીને લઈને મોટી કાર્યવાહી હાથ ધરી છે. વન્યજીવન સંરક્ષણ અધિનિયમની શિડ્યૂલ-1 હેઠળ આવતા દીપડાના ચામડાનું વેચાણ ગંભીર ગુનો ગણાય છે. વિભાગને ચોક્કસ બાતમી મળી હતી કે ડાંગ જિલ્લાના શિવારીમાળ વિસ્તારમાંથી એક મૃત દીપડાનું ચામડું લાવી વાંસદા ખાતે વેચાણની તૈયારી ચાલી રહી છે. આ માહિતીના આધારે વાંસદા પૂર્વ અને પશ્ચિમ બંને રેન્જના વન અધિકારીઓએ સંયુક્ત ઓપરેશન ગોઠવ્યું અને રાણી ફળિયા ગામમાં દરોડો પાડ્યો. દરોડા દરમિયાન રાજેશ માધવ પણીકરના ઘરેથી દીપડાનું ચામડું મળી આવ્યું હતું, જ્યારે તેને વેચવા અને ખરીદવા આવેલા ચાર લોકોની ધરપકડ કરવામાં આવી હતી.
વન અધિકારી રાઠોડે જણાવ્યું કે પ્રાણી ક્રૂરતા નિવારણ સંસ્થા વડોદરા દ્વારા મળેલી ગુપ્ત બાતમીના આધારે આ ઓપરેશન ગોઠવવામાં આવ્યું હતું. વાંસદા પૂર્વ અને પશ્ચિમ રેન્જની સંયુક્ત ટીમે વોચ ગોઠવી દીપડાના ચામડાની તસ્કરી કરતા ચાર ઇસમોને પકડી પાડ્યા છે. આ તમામ કામગીરી વલસાડના વડવરતુ ડૉ. બી. સુચિન્દ્રા, નાયબ વન સંરક્ષક લોકેશ ભારદ્વાજ અને મદદનિશ વન સંરક્ષક રુચિ દવેના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી રહી છે. વન અધિકારીઓ અનુસાર, ચામડું અંદાજે એકથી બે વર્ષ જૂનું લાગી રહ્યું છે, પરંતુ ચોક્કસ માહિતી FSL રિપોર્ટ મળ્યા બાદ જ મળી શકશે.
વન વિભાગ હવે દીપડાની હત્યા પાછળનું સાચું કારણ, તેમાં સંડોવાયેલાં મુખ્ય શખ્સો તથા ચામડાનો ઉપયોગ ક્યાં થવાનો હતો, એ દિશામાં વધુ તપાસ કરી રહ્યું છે. આ કાર્યવાહીથી સ્પષ્ટ થાય છે કે નવસારી-ડાંગ બોર્ડર વિસ્તારોમાં વન્યજીવ હેરાફેરીનું નેટવર્ક સક્રિય છે અને તેને તોડવા વન વિભાગ સતત સતર્ક છે.

આ કાર્યવાહી હેઠળ ડાંગના શિવારીમાળથી ચામડું લાવનાર જયેશ રામદાસ ગાંવિત સહિત વડોદરાથી આ ચામડું ખરીદવા આવેલા કિરીટ ચંદ્રકાંત ચૌહાણ અને ગિરીશ ખુશાલ પરમારને પણ રંગેહાથ પકડવામાં આવ્યા છે. વન વિભાગે તમામ આરોપીઓની ધરપકડ કરી છે અને દીપડાનું મોત કેવી રીતે થયું, ચામડું ક્યાંથી મેળવવામાં આવ્યું અને શું આ ગેરકાયદેસર નેટવર્કમાં અન્ય લોકોની સંડોવણી છે કે નહીં, તેની ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે. વન અધિકારીઓ માને છે કે આ કેસમાં હજી વધુ લોકો પડદો ફેરવી શકે છે, તેથી તપાસને વધુ વિસ્તૃત કરવામાં આવી રહી છે.
