• Sat. Oct 4th, 2025

Dakshin Gujarat Vartman

નીડર અને નિષ્પક્ષ અખબાર...

Gujarat : રમઝટ ગ્રુપે દિવ્યાંગ બાળકો સાથે ગરબે ઘૂમી નોરતાની ખુશી બમણી કરી.

Gujarat : નવસારીમાં ગાંધી જયંતિના પાવન અવસરે રમઝટ ગ્રુપ દ્વારા એક અનોખું અને હૃદયસ્પર્શી આયોજન કરવામાં આવ્યું . જેમાં મમતા મંદિરના મૂક-બધિર અને દિવ્યાંગ બાળકો માટે ખાસ ગરબા મહોત્સવનું આયોજન થયું હતું.

આ પ્રસંગે દિવ્યાંગ બાળકોના ચહેરા પર ઝળહળતો આનંદ અને ઉમંગ જોઈ સૌ કોઈ ભાવવિભોર થઈ ગયા હતા.

રમઝટ 2.0 નવરાત્રિના આયોજક જીગ્નેશ શાહે જણાવ્યું હતું કે, “નવરાત્રિ માતાજીની ઉપાસનાનો તહેવાર છે. પરંતુ આ તહેવારમાં જો સમાજના અંગ ગણાતા દિવ્યાંગ બાળકોને જોડવામાં આવે, તો એમાં ઉમંગ અને સકારાત્મકતા બમણી થઈ જાય. એ જ ભાવના સાથે આ વિશેષ ગરબાનું આયોજન કર્યું હતું.”

આ આયોજનથી દિવ્યાંગ બાળકોને સમાજના મુખ્ય પ્રવાહ સાથે જોડવાનો એક સુંદર પ્રયાસ થયો. નવ દિવસ સુધી માતાજીના ગરબા રમાડ્યા બાદ આ વિશેષ કાર્યક્રમમાં સૌએ સાથે મળી દિવ્યાંગ બાળકો સાથે ગરબે ઘૂમીને ખુશીના પલ માણ્યા હતા. ગરબા પૂર્ણ થયા બાદ તમામ બાળકોને નાસ્તો પણ કરાવવામાં આવ્યો હતો.

મમતા મંદિરના બાળકાઓ ઉપરાંત નવસારી, ધરમપુર અને વલસાડની આદિવાસી કન્યા છાત્રાલયની બાળાઓ તથા પારસી અનાથાલયના અનાથ બાળકો પણ આ વિશેષ ગરબામાં જોડાયા હતા. બાળકો સંગીતના તાલે ઝૂમી ઉઠ્યા હતા. ખાસ કરીને મૂક-બધિર બાળકો સંગીત સાંભળી શકતા ન હોવા છતાં અન્ય બાળકોના હાવભાવ અને તાલને અનુસરીને મન મૂકીને ગરબે ઘૂમતા નજરે ચડ્યા હતા.

આ પ્રસંગને આયોજકોએ “નોરતાના પારણા જેવી ખુશી આપનાર દિવસ” તરીકે વર્ણવ્યો હતો. કાર્યક્રમના અંતે આયોજકો, શિક્ષકો અને સ્વયંસેવકોને બાળકો સાથે નૃત્ય કરતા જોઈ સમગ્ર માહોલ આનંદ અને ઉષ્માથી ભરાઈ ગયો હતો.