Gujarat : રાજ્ય સરકારની લોકપ્રિય સામાજિક યોજના ‘લાડકી બહેન યોજના’ હવે કડક ચકાસણીના ચક્રવ્યૂહમાંથી પસાર થવાની છે. યોજનાના આર્થિક ભારમાં સતત વધારો અને લાખો બોગસ લાભાર્થીઓની ઓળખ થવાના કારણે સરકારે નવા નિયમો લાગુ કરવાનો નિર્ણય લીધો છે. આ પ્રમાણે હવે યોજનાનો લાભ મેળવવા માત્ર મહિલાની જ માહિતી પૂરતી રહેશે નહીં, પરંતુ તેના પતિ અથવા પિતાનું ઈ-કેવાયસી ફરજિયાત કરવામાં આવ્યું છે.
નવી વ્યવસ્થામાં, જો મહિલાનું લગ્ન થયું હોય તો પતિની આવકનું ઈ-કેવાયસી કરવું ફરજિયાત રહેશે, જ્યારે અવિવાહિત મહિલાઓ માટે પિતાની આવકની વિગતો રજૂ કરવી પડશે. કુટુંબની કુલ વાર્ષિક આવક અઢી લાખ રૂપિયા કરતા વધુ હશે તો એવી મહિલાને લાડકી બહેન યોજના માટે ગેરલાયક ગણવામાં આવશે. અત્યાર સુધી માત્ર મહિલાની વ્યક્તિગત આવકની તપાસ થતી હતી, પરંતુ હવે આખા કુટુંબની આવક ચકાસવામાં આવશે.
સરકારના મતે, આ પગલાંથી સાચા પાત્ર મહિલાઓ સુધી જ યોજનાનો લાભ પહોંચશે અને ખોટી રીતે લાભ લેતા લોકો આપમેળે બહાર થઈ જશે. અધિકારીઓ જણાવે છે કે, છેલ્લા કેટલાક દિવસોમાં રાજ્યભરમાં યુદ્ધના ધોરણે ઝુંબેશ ચલાવીને હજારો બોગસ લાભાર્થીઓની ઓળખ કરવામાં આવી છે. આવતા દિવસોમાં આ સંખ્યા લાખોમાં પહોંચી શકે તેવી શક્યતા છે.
વિશ્લેષકોના મતે, સરકારના આ નવા નિર્ણયથી યોજનાની પારદર્શકતા તો વધશે, પરંતુ હજારો મહિલાઓ પર તેનો સીધો પ્રભાવ પડશે. ખાસ કરીને મધ્યમ વર્ગની એવી મહિલાઓ જેઓ પોતે તો પાત્ર છે પરંતુ પતિ અથવા પિતાની આવકને કારણે હવે યોજનામાંથી બહાર થઈ જશે.

સરકારના સૂત્રો જણાવે છે કે લાડકી બહેન યોજનાનો હેતુ રાજ્યની આર્થિક રીતે નબળી મહિલાઓને સીધી સહાય પહોંચાડવાનો હતો. પરંતુ ચૂંટણી દરમ્યાન આ યોજના શરૂ થતા અનેક જગ્યાએ નિયમોનું પાલન કડકાઈથી ન થવાને કારણે અનેક મહિલાઓએ ખોટી માહિતી આપીને લાભ મેળવ્યો હતો. પરિણામે સરકારની તિજોરી પર હજારો કરોડનો વધારાનો ભાર પડ્યો છે.
લાડકી બહેન યોજનાની શરૂઆત ચૂંટણી પૂર્વે કરવામાં આવી હતી અને તે સમયે તે મહાયુતિને મોટા પ્રમાણમાં મત મેળવી આપનાર મુદ્દો સાબિત થયો હતો. જોકે હવે કડક નિયમો લાગુ થતાં યોજનાની પાત્ર સંખ્યા ઘટશે તે નક્કી છે. સરકારનો દાવો છે કે સાચી મહિલાઓ સુધી સહાય પહોંચે તે માટે જ આ પગલાં જરૂરી છે, જેથી રાજ્યની નાણાકીય તંદુરસ્તી પર પણ ભાર ઓછો પડે.