Gujarat : Bhavnagar શહેર તેમજ જિલ્લામાં હવામાનમાં અચાનક પલટો જોવા મળ્યો છે. હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી બાદ વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ છવાયું હતું અને ઠંડા પવન સાથે ઠંડકનો અહેસાસ થયો હતો. સમી સાંજ બાદ જિલ્લામાં કયાંક ઝરમર તો કયાંક સારો એવો વરસાદ શરૂ થતાં નગરજનો સાથે ખેડૂતોમાં પણ ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે.
વરસાદી ઝરમર સાથે શિયાળાની શરૂઆતનો અહેસાસ.
ભાવનગર શહેર અને જિલ્લામાં પાલીતાણા, તળાજા, સિહોર સહિતના વિસ્તારોમાં ધીમી ઝરમર વરસાદ નોંધાયો છે. વહેલી સવારથી જ આકાશમાં ઘેરા વાદળો છવાયેલા હતા અને ઠંડા પવનની લહેરથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. રાત્રિના સમયે શહેરના વિવિધ વિસ્તારોમાં ઝરમર વરસાદથી રસ્તાઓ ભીંજાઈ ગયા હતા. નાગરિકોએ દિવાળી બાદ શિયાળાની શરૂઆતનો અહેસાસ કર્યો હતો.

કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતામાં.
અચાનક આવેલા કમોસમી વરસાદને કારણે ખેડૂતોમાં ચિંતા વ્યાપી ગઈ છે. હાલ રવી પાક માટેની તૈયારી ચાલી રહી છે જ્યારે કેટલાક ખેડૂતો પહેલેથી વાવણી કરી ચૂક્યા છે. તેમને આશંકા છે કે વધુ વરસાદ પડવાથી પાકને નુકસાન થઈ શકે છે. ખાસ કરીને મગફળી, કપાસ અને અન્ય પાકો પર તેની અસર થવાની શક્યતા હોવાથી ખેડૂતો ચિંતિત છે. કેટલાક વિસ્તારોમાં ખેતરોમાં પાણી ભરાવાની શરૂઆત થઈ છે.
બંદરો પર 3 નંબરનું સિગ્નલ — માછીમારોને તકેદારીની સૂચના.
હવામાન વિભાગે આગામી 24 થી 48 કલાક દરમ્યાન હળવાથી મધ્યમ વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. રાજ્યમાં છૂટાછવાયા વરસાદની આગાહી સાથે 26 ઓક્ટોબર સુધી માટે “યેલો એલર્ટ” જાહેર કરવામાં આવ્યું છે. આને ધ્યાનમાં રાખીને ભાવનગર જિલ્લાના ત્રણેય મુખ્ય બંદરો — ઘોઘા, અલંગ અને મહુવા ખાતે તકેદારીના ભાગરૂપે 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. તંત્ર દ્વારા માછીમારોને દરિયો ન ખેડવાની અને દરિયામાં રહેલી બોટોને કિનારે પરત લાવવાની સૂચના આપવામાં આવી છે.

જિલ્લામાં ઠંડકનો માહોલ, તાપમાનમાં ઘટાડો.
હવામાન નિષ્ણાતો અનુસાર, છેલ્લા બે દિવસથી તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો નોંધાયો છે. જો આગામી દિવસોમાં વરસાદ ચાલુ રહેશે તો ઠંડીનું પ્રમાણ વધુ વધવાની શક્યતા છે.
