• Fri. Oct 3rd, 2025

Dakshin Gujarat Vartman

નીડર અને નિષ્પક્ષ અખબાર...

Gujarat : સુરત શહેરમાં બિલ્ડર પર હુમલો કરી ખંડણી માંગનાર આરોપીઓ પકડાયા.  

Gujarat : સુરત શહેરમાં બિલ્ડર પાસેથી ખંડણીની માંગણી કરી અને ઈજા પહોંચાડનાર બે આરોપીઓને અઠવાલાઇન્સ પોલીસે ઝડપી પાડ્યા છે. આ બંને શખ્સોએ બિલ્ડરની ઓફિસમાં બે વખત જઈ ખંડણી માંગેલી હતી. પહેલી વાર પૈસા મળ્યા બાદ, બીજી વાર માંગણી પૂરી ન થતાં બિલ્ડર પર હુમલો કરીને ભાગી ગયા હતા.

પહેલી વાર 50 હજાર રૂપિયા કઢાવ્યા.

માહિતી મુજબ, 6 ઓગસ્ટ 2025ના રોજ ફરિયાદી અસ્લમભાઈ અબ્દુલરહીમ શેખની સગરામપુરા વિસ્તારમાં આવેલી ઓફિસમાં અબ્દુલ સાહીલ ઉર્ફે એસ.કે. અબ્દુલ રઉફ શેખ (ઉંમર 29, રહે. સગરામપુરા નવી ઓલી મહોલ્લો) અને ઇર્શાદ ઉર્ફે સલમાન એહસાન શેખ (ઉંમર 19, રહે. અસ્ફાક ખીરની બિલ્ડીંગ, સુરત, મૂળ હૈદરપુર-દિલ્હી) પહોંચી ગયા હતા. બંનેએ ફરિયાદી અને તેમના ભાઈને ચપ્પુ બતાવીને બળજબરીથી રૂ. 50,000 કઢાવ્યા હતા.

બીજી વાર પૈસા ન મળતાં હુમલો.

આ પછી, 25 સપ્ટેમ્બર 2025ના રોજ ફરીથી બંને આરોપીઓ ફરિયાદીની ઓફિસ ખાતે પહોંચ્યા હતા અને વધુ પૈસાની માંગણી કરી હતી. માંગણી પૂરી ન થતાં તેમણે ફરિયાદીને લોખંડના ટોકર વડે ઈજા પહોંચાડી અને સ્થળ પરથી ભાગી ગયા હતા.

પોલીસની ઝડપી કાર્યવાહી.

અઠવાલાઇન્સ પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરી અને બંને આરોપીઓને ઝડપી પાડ્યા. જેમાંથી અબ્દુલ સાહીલ ઉર્ફે એસ.કે. અબ્દુલ રઉફ શેખ પહેલાથી જ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. તેના વિરુદ્ધ અઠવા અને સલામતપુરા પોલીસ સ્ટેશનોમાં મારામારી અને ખંડણી સહિતના ગુનાઓ નોંધાયેલા છે.

બે દિવસના રિમાન્ડ મંજૂર.

પોલીસે બંને આરોપીઓને કોર્ટમાં રજુ કર્યા બાદ દિન-2ના રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરી છે. આ કાર્યવાહીથી બિલ્ડરોને ધમકાવી ખંડણી માંગતા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે.