Gujarat : જામનગરમાં છેલ્લા ત્રણ વર્ષથી ચાલી રહેલું સ્વપ્નસમાન પ્રોજેક્ટ હવે પૂરું થયું છે. ₹226 કરોડના ખર્ચે બનેલો 3.5 કિલોમીટર લંબાઈનો અને 139 પિલર્સ પર ઊભેલો આ ભવ્ય ફ્લાયઓવર હવે પૂર્ણપણે તૈયાર થઈ ગયો છે.
હાલ અંતિમ તબક્કાની કામગીરી જેમ કે રિફ્લેક્ટર્સ, કલર પટ્ટા અને લાઈટિંગ તેજ ગતિએ ચાલી રહી છે. સૂત્રો મુજબ, આગામી 10 દિવસમાં આ ફ્લાયઓવરનું ભવ્ય લોકાર્પણ થવાની સંભાવના છે.
ખાસ વાત એ છે કે, બ્રિજ નીચેનો વિસ્તાર પણ સ્માર્ટ રીતે ઉપયોગમાં લેવાશે અહીં પેઈડ પાર્કિંગ, ફૂડ ઝોન, ગેમ ઝોન અને નાગરિકોને સુવિધા આપે તેવું સિવિક સેન્ટર પણ ઉભું કરાશે. એટલે કે, આ માત્ર એક ફ્લાયઓવર નહીં પણ શહેરના વિકાસ અને આધુનિકતાનું નવું પ્રતિક બનીને ઉભરાશે.
આ પ્રોજેક્ટ પૂર્ણ થતાં જામનગરના મુખ્ય માર્ગો પર ટ્રાફિકનો બોજ ઘટાડાશે અને સુભાષબ્રિજથી સાત રસ્તા વચ્ચેનો મુસાફરી સમય નોંધપાત્ર રીતે ઘટશે.

આ બ્રિજ સુભાષબ્રિજથી સાત રસ્તા સુધી ફેલાયેલો છે અને ઇન્દિરા માર્ગ તથા ખંભાળિયા રોડ પર રેમ્પ દ્વારા જોડાયેલો છે. મુખ્ય બ્રિજ 15 મીટર પહોળો (ફોર-ટ્રેક) છે, જે વાહનચાલકો માટે વધુ સુવિધાજનક બનશે.