Gujarat : સુરતની સુરભી ડેરીમાં ગેરરીતિઓ સામે આરોગ્ય વિભાગની કામગીરી ફરી એકવાર સવાલોની ઝપેટમાં આવી છે. બે દિવસ પહેલા ડેરીમાંથી મોટા પ્રમાણમાં નકલી પનીરનો જથ્થો ઝડપાયો હતો, તે છતાં વેચાણ ચાલુ રહેવું અને આરોગ્ય વિભાગ દ્વારા સીલીંગની કાર્યવાહી ત્રીજા દિવસે કરવી આ બન્ને મુદ્દાઓએ સિસ્ટમની ગંભીર ખામીઓ ઉજાગર કરી છે. સુરભી ડેરીના ભૂતકાળના સેમ્પલ ‘સબ સ્ટાન્ડર્ડ’ જાહેર થયા હોવા છતાં આરોગ્ય વિભાગે સમયસર કાર્યવાહી ન કરવાથી નકલી પનીરનું વેચાણ સતત ચાલુ રહ્યું હોવાનું સામે આવતાં લોકોમાં રોષ ફેલાયો છે.
બે દિવસ પહેલાં ઝડપાયેલા નકલી પનીરના જથ્થા અંગે જાણવા મળ્યું છે કે આ ડેરી રોજે રોજ 200 કિલોથી વધુ નકલી પનીરનું વેચાણ કરતી હતી. લોકોના સ્વાસ્થ્ય સાથે આટલું મોટું રમખાણ થતું હોવા છતાં વિભાગે તાત્કાલિક પગલાં ન લેતા ડેરીના ચારેય આઉટલેટ્સ થોડાક સમય સુધી અંદરખાને ચાલુ રહી હોવાનું પણ સામે આવ્યું. સામાન્ય નિયમ મુજબ નકલી પનીર ઝડપાતાં જ બધા આઉટલેટ્સ તાત્કાલિક સીઝ થવું જોઈએ, પરંતુ આ પ્રક્રિયામાં થયેલ વિલંબે આરોગ્ય વિભાગની કામગીરી પર ગંભીર સવાલો ઉભા કર્યા છે.

નકલી પનીર જેવી ભેળસેળવાળી દૂધ ઉત્પાદનો માટે અત્યંત જોખમી ગણાય છે. એવા પદાર્થોનું સેવન પેટમાં ઈન્ફેક્શન, ફૂડ પોઈઝનિંગ, યકૃતની સમસ્યાઓ અને લાંબા ગાળે ગંભીર બીમારીઓનું જોખમ વધારવા માટે જવાબદાર બની શકે છે. આવી પરિસ્થિતિમાં આરોગ્ય વિભાગની ઢીલી કામગીરી લોકોના આરોગ્ય અને સુરક્ષાની દ્રષ્ટિએ અત્યંત ચિંતાજનક છે.
દિવ્યભાસ્કરની ટીમે નગરપ્રાથમિક આરોગ્ય અધિકારી એફ.આઈ. બ્રહ્મભટ્ટ સાથે વાત કરી ત્યારે તેમણે સ્વીકાર્યું કે અગાઉ સુરભી ડેરીમાંથી લેવાયેલા સેમ્પલમાં પણ ગેરરીતિ મળી હતી. પરંતુ જ્યારે પૂછવામાં આવ્યું કે આ સેમ્પલ ફેલ થયા બાદ કોઈ સખત પગલાં કેમ ન લેવામાં આવ્યા, તેઓએ માત્ર એટલું જ જણાવ્યું કે “કોર્ટમાં ફરિયાદ કરવાની કાર્યવાહી ચાલુ છે.” આ જવાબથી સ્પષ્ટ થાય છે કે ડેરીની ગેરરીતિઓ સામે વિભાગની કાર્યવાહી માત્ર કાગળ ઉપર જ સીમિત રહી હતી.

નકલી પનીરનો મુદ્દો જાહેર થતાં જ શહેરના લોકોમાં ભારે અસંતોષ ફેલાયો હતો. વધતા દબાણ પછી આખરે આજે આરોગ્ય વિભાગે સુરભી ડેરીના આઉટલેટને ત્રીજા દિવસે સીલ કરીને કાર્યવાહી પૂર્ણ કરી છે. પરંતુ ભૂતકાળમાં સેમ્પલ ફેલ થયા બાદ યોગ્ય પગલાં ન લેવાયાં હોવાથી હવે લોકો વિભાગથી વધુ કડક અને પારદર્શક પગલાંની માંગ કરી રહ્યા છે.
