Gujarat : નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના સીણધઈ ગામમાં ગત શનિવારે આવેલા તોફાની વાવાઝોડાથી ભારે નુકસાન થયું હતું. આ વાવાઝોડાના અસરગ્રસ્તોને આજે વલસાડના સાંસદ ધવલ પટેલ દ્વારા છતના પતરા અને જીવન જરૂરિયાતની વસ્તુઓની કીટનું વિતરણ કરવામાં આવ્યું.
વાવાઝોડા બાદથી સ્થાનિક તંત્ર દ્વારા નુકસાનનો સર્વે કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ ઉપરાંત, જમીનદોઝ થયેલા વીજ થાંભલાઓને બદલીને વીજ પુરવઠો ફરીથી શરૂ કરવાના પ્રયાસો પણ ચાલી રહ્યા છે.
વલસાડના સાંસદ ધવલ પટેલે પણ આ વિકટ પરિસ્થિતિમાં અસરગ્રસ્તોને સતત મદદ મળી રહે તેવા પ્રયાસો કર્યા છે. પ્રથમ તબક્કે તેમણે લોકોને તાડપત્રી, પ્લાસ્ટિક અને ભોજનની વ્યવસ્થા પૂરી પાડી હતી. આજે, ભાજપના કાર્યકરો સાથે મળીને તેમણે 700 નંગ પતરા અને સેંકડો જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓની કીટ અસરગ્રસ્ત પરિવારોને પોતાના હાથેથી વિતરણ કરી.
વાવાઝોડાને કારણે સીણધઈ ગામના ત્રણ ફળિયામાં લગભગ 150 ઘરોના પતરા અને નળિયા ઉડી ગયા હતા. કેટલાક ઘરોની દીવાલો પણ જમીનદોઝ થઈ ગઈ હતી, જેના કારણે ગરીબ આદિવાસી પરિવારોને ખુલ્લા આકાશ નીચે રહેવાની ફરજ પડી હતી.

સાંસદ પટેલે અસરગ્રસ્ત પરિવારોને ભવિષ્યમાં પણ જરૂર જણાય તેવી તમામ મદદ કરવાની તૈયારી દર્શાવી હતી. તેમણે રાજ્યના મુખ્યમંત્રી, નાણાં મંત્રી અને કૃષિ મંત્રીને પત્ર લખીને વહેલામાં વહેલી તકે સહાય મળે તેવી માંગ પણ કરી છે. સહાય વિતરણ માટે સાંસદ ધવલ પટેલ પહોંચ્યા ત્યારે આદિવાસીઓએ તેમનો આભાર માન્યો હતો.