ડિજિટલ અરેસ્ટ સ્કેમ સામે કેન્દ્રિય તપાસ બ્યુરો (CBI)એ આજે દેશવ્યાપી સ્તરે મોટી કાર્યવાહી હાથ ધરી છે. CBIએ ‘ઓપરેશન ચક્ર’ અંતર્ગત 16 રાજ્યોમાં 80થી વધુ સ્થળોએ એકસાથે દરોડા અને તપાસ અભિયાન ચલાવ્યું છે.
આ ઓપરેશન માટે CBIએ 60 વિશેષ ટીમોનું ગઠન કર્યું હતું. આ ટીમોએ ગુજરાત, દિલ્હી, મહારાષ્ટ્ર, પંજાબ, હરિયાણા, તમિલનાડુ, તેલંગાણા, આંધ્ર પ્રદેશ, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, રાજસ્થાન, આસામ, પશ્ચિમ બંગાળ, મણિપુર, કર્ણાટક અને ઓડિશા સહિતના રાજ્યોમાં કાર્યવાહી કરી હતી.
CBI અનુસાર, આ અભિયાન દેશભરમાં નોંધાયેલા 200થી વધુ ડિજિટલ અરેસ્ટ કૌભાંડના કેસોની તપાસનો મહત્વપૂર્ણ ભાગ છે. તપાસ દરમિયાન શેલ કંપનીઓની રચના અને ગેરકાયદેસર બેંક ખાતાઓ ખોલી ઠગાઈની રકમને મની લોન્ડરિંગ કરવા માટે ઉપયોગ કરવામાં આવતો હોવાનો ખુલાસો થયો છે.
આ કેસમાં CBIએ બે શંકાસ્પદ આરોપીઓની ધરપકડ કરી છે. આરોપીઓ ડિજિટલ અરેસ્ટ દ્વારા લોકો સાથે કરોડોની ઠગાઈ કરીને મળેલી રકમને વિવિધ બેંક ખાતાઓ મારફતે ટ્રાન્સફર અને છુપાવવાનું કામ કરતા હોવાનું તપાસમાં સામે આવ્યું છે.
CBIનું કહેવું છે કે ‘ઓપરેશન ચક્ર’નો મુખ્ય હેતુ સાયબર ગુનાખોરીના સંગઠિત નેટવર્કને તોડી પાડવાનો અને ડિજિટલ ઠગાઈના માસ્ટરમાઇન્ડ સુધી પહોંચવાનો છે. તપાસ હજુ ચાલુ છે અને આગામી દિવસોમાં વધુ ધરપકડો તથા ખુલાસાઓ થવાની શક્યતા છે.
