Gujarat :સુરત, જે અત્યાર સુધી હીરા અને ટેક્સટાઇલ્સના હબ તરીકે વિશ્વભરમાં ઓળખાય છે, હવે ડિજિટલ અને આઈટી ક્ષેત્રે પણ ઝડપથી આગળ વધી રહ્યું છે. આ પ્રગતિને વધુ વેગ આપવા માટે ઇન્ડિયા એક્સિલેટર દ્વારા સાઉથ ગુજરાતના સ્ટાર્ટઅપ્સને પ્રોત્સાહન આપતા એક અદ્યતન સ્ટાર્ટઅપ સેન્ટરની શરૂઆત કરવામાં આવી રહી છે. સુરાણા સુપ્રીમસ, મગદલ્લા રોડ ખાતે 10,000 સ્ક્વેર ફૂટના વિસ્તારમાં ફેલાયેલ આ સેન્ટરનું ઉદ્ઘાટન આવતી કાલે થવાનું છે.
280 સીટની કો-વર્કિંગ સ્પેસ સાથે સુવિધા
આ સેન્ટરના સંચાલક ધર્મેશ મહેતાએ જણાવ્યું કે, આ કેન્દ્ર 280 સીટની કો-વર્કિંગ સ્પેસ સાથે સજ્જ છે અને તેનો મુખ્ય ઉદ્દેશ્ય નવા ઉદ્યોગકારોને માર્ગદર્શન, નર્ચરિંગ અને તમામ જરૂરી સંસાધનો પૂરા પાડવાનો છે. તેમણે કહ્યું કે, માત્ર એક આઈડિયા પૂરતો નથી, પરંતુ એકાઉન્ટિંગ, લીગલ પ્રોસેસ, ડિજિટલ માર્કેટિંગ, મીડિયા કવરેજ અને ફંડ રેઇઝિંગ જેવી ઘણી બાબતો સ્ટાર્ટઅપને સફળ બનાવે છે. આ સેન્ટર આ જવાબદારીઓ સંભાળી લેશે, જેથી ફાઉન્ડર્સ ફક્ત તેમના બિઝનેસ પર ધ્યાન કેન્દ્રિત કરી શકે.
ભારત વિશ્વમાં ત્રીજા ક્રમે
અપૂર્વ વોરાએ આ અવસરે જણાવ્યું કે, ભારત આજે સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમમાં ત્રીજા ક્રમે છે. માત્ર મેટ્રો શહેરોમાં જ નહીં, પણ ટિયર-2 અને ટિયર-3 શહેરોમાં પણ સ્ટાર્ટઅપ્સ ઝડપથી વધી રહ્યા છે. સુરતની આસપાસ અનેક શૈક્ષણિક સંસ્થાઓ હોવાથી અહીં ટેલેન્ટની કોઈ કમી નથી. આવા સ્થળે નેશનલ લેવલનું એક્સિલેટર સેન્ટર શરૂ થવાથી સ્થાનિક ટેલેન્ટને મોટી તક મળશે.

સાઉથ ગુજરાતમાં 70 જેટલા સ્ટાર્ટઅપ સક્રિય
ડેટા મુજબ, સાઉથ ગુજરાતમાં હાલ 60 થી 70 સ્ટાર્ટઅપ્સ સક્રિય છે અને તાજેતરમાં ત્રણ સ્ટાર્ટઅપ્સે મહત્વપૂર્ણ ફંડિંગ મેળવી છે. સુરત હવે માત્ર હીરા અને ટેક્સટાઇલ્સ પૂરતું મર્યાદિત નથી, પરંતુ ધીમે ધીમે ‘સ્ટાર્ટઅપ સિટી’ તરીકે ઓળખ મેળવવા તરફ આગળ વધી રહ્યું છે. આ સેન્ટર નવા ઉદ્યોગકારોને પ્રોત્સાહિત કરીને પ્રદેશના આર્થિક વિકાસમાં યોગદાન આપશે.
ઉદ્ઘાટન સમારંભમાં મહાનુભાવો
ઉદ્ઘાટન સમારંભમાં મુખ્ય અતિથિ તરીકે રાજ્યસભા સાંસદ ગોવિંદ ધોળકિયા અને ભારતીય સેનાના નિવૃત્ત જનરલ મનોજ મુકુંદ નરવણે હાજરી આપશે. સાથે જ ઇન્ડિયા એક્સિલેટરના CEO આશિષ ભાટિયા પણ ઉપસ્થિત રહેશે. આવનારા સમયમાં અમદાવાદ, મુંબઈ (વાશી), ઇન્દોર અને જયપુર સહિતના શહેરોમાં પણ આવા સેન્ટરો શરૂ કરવાની યોજના છે. કુલ 6 સેન્ટરો દ્વારા દેશભરના સ્ટાર્ટઅપ્સને મજબૂત આધાર આપવામાં આવશે.