Gujarat : રાજ્યમાં ધીમે ધીમે મોસમમાં ફેરફાર થતો જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગના તાજા અહેવાલ મુજબ પૂર્વથી ઉત્તર પૂર્વ દિશામાંથી પવનો ફૂંકાતા રાજ્યમાં રાત્રિના સમયે ઠંડીનો અહેસાસ શરૂ થશે, જ્યારે દિવસ દરમિયાન ગરમી યથાવત્ રહેશે. વિભાગે જણાવ્યું છે કે આજના રોજ તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીના છૂટાછવાયા વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડવાની સંભાવના છે.
અમદાવાદમાં આજે મહત્તમ તાપમાન આશરે 35 ડિગ્રી સેલ્સિયસ રહેવાની સંભાવના છે જ્યારે ન્યૂનતમ તાપમાન 22 ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહેશે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવએ જણાવ્યું હતું કે આગામી સાત દિવસ દરમિયાન મહત્તમ તાપમાનમાં ખાસ વધારો જોવા મળશે નહીં, પરંતુ ન્યૂનતમ તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રીનો વધારો થઈ શકે છે.
વિભાગના જણાવ્યા અનુસાર, હાલના દિવસોમાં પૂર્વથી ઉત્તર પૂર્વ દિશાના પવન રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ફૂંકાઈ રહ્યા છે, જેના કારણે સવાર અને રાત્રિના સમયે હળવી ઠંડીનો અહેસાસ થશે, જ્યારે બપોરના સમયે તાપમાન વધતા ગરમીનો અનુભવ થશે. આ રીતે દિવસ દરમિયાન ગરમી અને રાત્રે ઠંડીની વચ્ચેનું તાપમાન તફાવત વધુ રહેશે.
આગામી દિવસોમાં તાપમાનમાં ધીમે ધીમે ઘટાડો થવાની અને ઠંડીના મોસમની શરૂઆત થવાની શક્યતા છે.
હવામાન વિભાગે ખાસ કરીને દક્ષિણ ગુજરાતના વિસ્તારો માટે 20 ઓક્ટોબરે ફરી એકવાર ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના દર્શાવી છે.
દક્ષિણ ગુજરાતને છોડતા રાજ્યના અન્ય વિસ્તારોમાં વાતાવરણ સૂકું રહેશે. હવામાન વિભાગના અનુમાન અનુસાર, 17થી 19 ઓક્ટોબર સુધી સમગ્ર રાજ્યમાં સૂકું વાતાવરણ રહેશે, જ્યારે 20 ઓક્ટોબરથી દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ફરી વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

વૈજ્ઞાનિકોએ નાગરિકોને અપીલ કરી છે કે સવારે બહાર નીકળતી વખતે હળકી જેકેટ અથવા શાલનો ઉપયોગ કરે અને બપોરે ગરમીથી બચવા પૂરતું પાણી પીતા રહે. બદલાતા મોસમમાં તાપમાનના ફેરફારને કારણે આરોગ્ય પર અસર ન પડે તે માટે ખાસ કાળજી રાખવી જરૂરી હોવાનું તેમણે જણાવ્યું હતું.
હાલ રાજ્યમાં વાતાવરણ સામાન્ય છે, પરંતુ ધીમે ધીમે શિયાળાની એન્ટ્રીના સંકેત સ્પષ્ટ થઈ રહ્યા છે. જો આગામી સપ્તાહ દરમિયાન તાપમાનમાં વધુ ઘટાડો થાય તો ગુજરાતમાં ઠંડીના મોસમની સત્તાવાર શરૂઆત ગણાશે.
