Gujarat : વલસાડ રૂરલ પોલીસે નેશનલ હાઈવે નંબર 48 પર શુક્રવારની રાત્રે પેટ્રોલિંગ દરમિયાન બે મહિલાઓને જાહેરમાં અશ્લીલ વર્તન કરતી ઝડપીને કાર્યવાહી હાથ ધરી છે. પોલીસને મળેલી માહિતી મુજબ, સરોધી ગામ નજીક ઢાબા પાસે આ બંને મહિલાઓ લાંબા સમયથી વાહનચાલકોને અશ્લીલ ઈશારા અને હાવભાવ કરીને રોકવાનો પ્રયાસ કરી રહી હોવાનું જાણવા મળતાં પોલીસે તુરંત સ્થળ પર પહોંચી કાર્યવાહી કરી.
પંચોની હાજરીમાં બંને મહિલાઓને રોકી તેમની તપાસ કરવામાં આવી. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે બંને મહિલાઓ હાલ વલસાડ તાલુકાના ગુંદલાવ વિસ્તારમાં રહે છે, જ્યારે તેમના મૂળ ગામ આસામ રાજ્યમાં આવેલા છે. પોલીસે બંનેના નિવેદન લઈને તેમની સામે ગુજરાત પોલીસ અધિનિયમની કલમ 110 અને 117 હેઠળ ગુનો નોંધી આગળની પ્રક્રિયા શરૂ કરી છે.
પોલીસ સૂત્રો અનુસાર છેલ્લા કેટલાક સમયથી હાઈવે અને ઢાબા વિસ્તારોમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ, અશ્લીલ વર્તન અને વાહનચાલકોને લલચાવવાની ઘટનાઓમાં વધારો જોવા મળ્યો છે. આવી પરિસ્થિતિઓને રોકવા માટે વલસાડ રૂરલ પોલીસ દ્વારા નિયમિત પેટ્રોલિંગ અને સર્વેલન્સ વધારવામાં આવ્યું છે અને આગામી દિવસોમાં વધુ કડક ચેકિંગ અભિયાન ચલાવવામાં આવશે.
