• Mon. Nov 17th, 2025

Dakshin Gujarat Vartman

નીડર અને નિષ્પક્ષ અખબાર...

Gujarat : બીલીમોરા પશ્ચિમ ભાગમાં સ્ટ્રીટ લાઈટ પ્રોજેક્ટ મંજૂર.

Gujarat : બીલીમોરા નગરપાલિકાના લાંબા સમયથી અવગણાયેલા પશ્ચિમ વિસ્તારમાં હવે વિકાસનો ઝગમગાટ જોવા મળશે. નગરપાલિકા દ્વારા રૂ. 1 કરોડ 68 લાખ 40 હજારના ખર્ચે નવી ફેન્સી સ્ટ્રીટ લાઈટો લગાવવાનો મહત્વપૂર્ણ પ્રોજેક્ટ મંજૂર કરવામાં આવ્યો છે. ટૂંક સમયમાં આ વિસ્તારમાં કુલ 232 નવા વીજ પોલ ઊભા કરીને એમ.જી. રોડથી લઈને વખતિયા બંદર સુધી તેમજ સ્ટેશન માર્ગથી બંદર સુધીના સમગ્ર મુખ્ય રસ્તાઓ પર નવી લાઈટો સ્થાપિત કરવામાં આવશે.

પાલિકા પ્રમુખ મનીષ પટેલ, કારોબારી ચેરમેન પ્રજ્ઞેશ પટેલ અને સીટી ઇજનેર સંકેત પટેલના સંયુક્ત વિઝન અંતર્ગત શહેરના તમામ વિસ્તારોમાં સમાન સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા પ્રયાસો ચાલી રહ્યા છે. બીજી તરફ, નગરપાલિકાની લાઈટ અને ફાયર કમિટીના ચેરમેન અંકિત ટંડેલે જણાવ્યું કે આ કામ માટેની એજન્સીને વર્ક ઓર્ડર આપી દેવામાં આવ્યો છે અને કાર્ય ટૂંક સમયમાં શરૂ થઈ જશે.

પશ્ચિમ વિસ્તારમાં નવી લાઈટો લગાડવાથી રાત્રિના સમયે અવરજવર કરતા લોકો માટે સલામતી અને સુવિધામાં વધારો થશે, સાથે જ સમગ્ર વિસ્તાર દેખાવમાં પણ વધુ આકર્ષક બનશે. સ્થાનિકોમાં હવે આ કામ શરૂ થવાની આતુરતા છે અને તેઓ કહે છે કે “પશ્ચિમ વિસ્તારને હવે સાચે જ પોતાનો હકનો પ્રકાશ મળશે.”

શહેરના રહેવાસીઓમાં છેલ્લા કેટલાક સમયથી એ રીતે અસંતોષ હતો કે નગરપાલિકા માત્ર પૂર્વ વિસ્તાર, ખાસ કરીને ગોહરબાગ વિસ્તારમાં જ વિકાસકામો પર વધુ ધ્યાન આપી રહી હતી, જ્યારે પશ્ચિમ ભાગને અવગણવામાં આવી રહ્યો હતો. આથી લોકોમાં પક્ષપાતની લાગણી ફેલાઈ હતી. પરંતુ નગરપાલિકા હવે વિકાસને સંતુલિત અને સર્વસમાવેશક બનાવવા માટે પગલા લઈ રહી છે, તેવું આ પ્રોજેક્ટ સ્પષ્ટ દર્શાવે છે.