Navsari News : ગુજરાતમાં આગામી સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી તથા 2027ની વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં લઈને રાજકીય હલચલ તેજ બની છે. રાજ્યમાં પોતાની હાજરી મજબૂત કરવાનો પ્રયાસ કરતી આમ આદમી પાર્ટી ‘ગુજરાત જોડો અભિયાન’ અંતર્ગત સતત સભાઓ યોજી રહી છે. આ અભિયાન હેઠળ મંગળવાર રાત્રે નવસારી જિલ્લાના દેગામ ખાતે યોજાયેલી જનસભામાં આપના દેડિયાપાડા વિધાનસભાના ધારાસભ્ય ચૈતર વસાવાએ તીખું ભાષણ કરતા ભાજપ પર સીધી રાજકીય ચોટ કરી હતી અને ફિલ્મી ડાયલોગ સાથે સત્તાધારી પક્ષને ખુલ્લો પડકાર ફેંક્યો હતો.
દેગામમાં AAPની જનસભા, ચૈતર વસાવાનો તીખો સ્વર
આપ પાર્ટી રાજ્યમાં ખાસ કરીને આદિવાસી વિસ્તારોમાં પોતાના પાયા મજબૂત બનાવવા પ્રયત્નશીલ છે. ધારાસભ્ય ચૈતર વસાવા જામીનની શરતોને કારણે પોતાના મતવિસ્તારથી થોડા સમય માટે દૂર રહેવા મજબૂર છે, છતાંય દેગામ ખાતે યોજાયેલી આ જનસભામાં તેમની હાજરીએ લોકોમાં ઉત્સાહ પેદા કર્યો હતો.
ચૈતર વસાવાએ સ્થાનિક પ્રશ્નો, પોતાની સામે થયેલી કાર્યવાહી અને આદિવાસી સમાજના મુદ્દાઓ પર આક્રામક વલણ દાખવ્યું હતું. ભાષણ દરમિયાન તેમણે ફિલ્મી અંદાજમાં કહ્યું
“જબ તક તોડેંગે નહીં, તબ તક છોડેંગે નથી…”
જેવું સંવાદ બોલતા જ સભામાંથી જોરદાર ટાળો ગૂંજ્યા હતા. આ રીતે, તેમણે ભાજપ સામે ટક્કર માટે પોતાની રાજકીય મજબૂતાઈ અને લડવાની ભાવના દર્શાવી.

વલસાડના સાંસદ ધવલ પટેલ પર સીધો હુમલો: ‘બોલતો પોપટ’ ગણાવ્યા
ભાષણનું સૌથી વધુ ચર્ચિત વાક્ય હતું
“ધવલ પટેલ કૃપાગુણથી સાંસદ બન્યા છે અને પક્ષના બોલતા પોપટ છે; તેઓ બોલશે નહીં તો તેમની ટિકિટ જતી રહેશે.”
ચૈતર વસાવાએ આક્ષેપ કર્યો કે વલસાડના સાંસદ આદિવાસી વિસ્તારમાં થતા પ્રશ્નો પર ક્યારેય અવાજ ઉઠાવતા નથી. MSP, ટેકાના ભાવ, રજીસ્ટ્રારની બેદરકારી, ટ્રાન્સપોર્ટ વિસ્તારમાં રોજગારીના અભાવ જેવા મુખ્ય મુદ્દાઓ પર સાંસદ મૌનની ભૂમિકા ભજવે છે, તેવો ગંભીર સવાલ પણ તેમણે ઉઠાવ્યો.
આદિવાસી વિસ્તારના પ્રશ્નો સમક્ષ મૂકી સરકારને ઘેરી
ચૈતર વસાવાએ જણાવ્યું કે આ વિસ્તારના ખેડૂતો MSP અને CCIને લગતા પ્રશ્નોથી પીડાઈ રહ્યા છે.
તેમણે કહ્યું:
વ્યાપારીઓ ખેડૂતોને છેતરતા રહે છે
કાવેરી સુગર અંગે ચાલી રહેલા આંદોલન છતાં રજીસ્ટ્રાર કોઈ પગલું નથી ભરતો
ટ્રાન્સપોર્ટ હબ હોવા છતાં લોકલ યુવાનોને નોકરી મળતી નથી
તેમણે જનસભામાં સ્પષ્ટ કહ્યું કે:
“આગામી દિવસોમાં અમે સરકારને મુદ્દે મુદ્દે ઉજાગર કરીશું. જરૂર પડે તો આંદોલન પણ કરીશું.”

AAPની વ્યૂહરચનામાં ચૈતર વસાવાની ભૂમિકા મહત્ત્વની
આમ આદમી પાર્ટી હાલમાં રાજ્યમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને આદિવાસી વિસ્તારોમાં પોતાનો પાયા વધારવા દોડધામ કરી રહી છે. ચૈતર વસાવા આ અભિયાનમાં કેન્દ્રિય ભૂમિકા ભજવી રહ્યા છે અને તેમની આક્રમક ભાષણ શૈલી અને લોકોમાં તેમની લોકપ્રિયતા AAPને દક્ષિણ ગુજરાતમાં મહત્વની રાજકીય ઊર્જા પૂરી પાડી રહી છે.
