Gujarat : ગીર સોમનાથના કોડીનાર તાલુકાના છારા ગામે ફરજ બજાવતા BLO અને શિક્ષક અરવિંદ વાઢેર (40)એ SIR કામગીરીના સતત દબાણ અને માનસિક તણાવને કારણે આજે સવારે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું. તેમણે પોતાના વતન દેવળી ખાતે આત્મહત્યા કરી હતી. ઘટના પહેલા લખેલી સુસાઇડ નોટમાં અરવિંદભાઈએ સ્પષ્ટ લખ્યું છે કે તેઓ છેલ્લા ઘણા દિવસોથી સતત માનસિક થાક અને તણાવ અનુભવી રહ્યા હતા અને હવે આ કામગીરી તેમના માટે અસહ્ય બની ગઈ હતી. પરિવારને સંબોધીને તેમણે “તું તારું અને દીકરાનું ધ્યાન રાખજે. હવે મારી પાસે કોઈ રસ્તો નથી” જેવા હૃદયદ્રાવક શબ્દો લખ્યા હતા.
આ દુઃખદ ઘટનાએ શિક્ષણ ક્ષેત્રમાં તીવ્ર પ્રતિસાદ જન્માવ્યો છે. જિલા પ્રાથમિક શિક્ષક સંઘ અને અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘે આ આત્મહત્યાને SIR કામગીરીના અતિશય ભારણનું સીધું પરિણામ ગણાવી રાજ્ય સરકારને તાત્કાલિક હસ્તક્ષેપ કરવાની માંગ કરી છે. સંઘોના નેતાઓએ જણાવ્યું છે કે શિક્ષકો પર ઓફિસ, ફિલ્ડ અને ટેક્નિકલ કામનો અતિશય ભાર મૂકવામાં આવે છે, રાત્રે મોડે સુધી મોનિટરિંગ થાય છે અને ફરિયાદ સાંભળવા માટે કોઈ વ્યવસ્થા નથી.
આ ઘટનાએ ફરી એકવાર પ્રકાશમાં લાવ્યું છે કે SRP અને BLO કાર્ય સાથે શિક્ષકોને મૂલ્યવાન શિક્ષણ કાર્ય છોડીને વધારાનું પ્રશાસનિક ભારણ ઉઠાવવું પડે છે, જેનાથી છેલ્લા સમયમાં અનેક તણાવજન્ય સમસ્યાઓ ઉભી થઈ રહી છે.

શિક્ષક સંઘોએ જવાબદાર અધિકારીઓ સામે કડક પગલાં, અસરકારક વ્યવસ્થા સ્થાપવા અને મૃતક શિક્ષકના પરિવારને ₹1 કરોડની આર્થિક સહાય આપવા માંગણી કરી છે. બીજી બાજુ, પ્રાથમિક શિક્ષક સંઘે રાજ્યના બે લાખથી વધુ શિક્ષકોને આજે સમગ્ર ઓનલાઇન કામગીરીનો બહિષ્કાર કરવાનો આહ્વાન કર્યું છે. સંઘોના જણાવ્યા અનુસાર, “કોઈ શિક્ષકે ડરવાની જરૂર નહીં, સમગ્ર શિક્ષક વર્ગ તમારા સાથમાં છે” એવો સંદેશ આપવામાં આવ્યો છે.
