• Fri. Jan 16th, 2026

ભારતની સ્ટાર ક્રિકેટરના પિતા પર ધર્મ પરિવર્તન કરાવવાનો લાગ્યો આરોપ, ક્લબમાંથી મેમ્બરશીપ કરાઇ રદ

મુંબઈની સૌથી જૂની ક્લબમાંની એક ખાર જિમખાનાએ ભારતીય ટીમની સ્ટાર ક્રિકેટર જેમિમાહ રોડ્રિગ્સની સભ્યપદ સમાપ્ત કરી દીધી છે. તેના પિતા ધાર્મિક પ્રવૃત્તિઓમાં સંકળાયેલા હોવાનું જાણવા મળ્યું હતું. ક્લબના અધિકારીઓ અને સમિતિના સભ્યોએ જણાવ્યું હતું કે ક્લબ પરિસરનો ઉપયોગ જેમિમાના પિતા ઇવાન દ્વારા ધાર્મિક કાર્યક્રમો અને ધર્મ પરિવર્તન માટે કરવામાં આવતો હતો. આ પછી, જેમિમા અને તેની સભ્યપદ રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

વર્ષ 2023 માં, ખાર જિમખાનાએ જેમિમાહ રોડ્રિગ્સને સભ્ય બનવા અને તેની સુવિધાનો ઉપયોગ કરવા આમંત્રણ આપ્યું. આ માટે 24 વર્ષીય ક્રિકેટરને ત્રણ વર્ષની માનદ સભ્યપદ આપવામાં આવી હતી. સમિતિના સભ્ય શિવ મલ્હોત્રાએ કહ્યું- અમને જેમિમા પર ગર્વ છે અને તે દેશને ગૌરવ અપાવી રહી છે, પરંતુ તેના પિતાએ ક્લબમાં લગભગ 35 મીટિંગ્સ કરી, જે એક વર્ષથી વધુ સમય સુધી બુક રહી. બ્રધર મેન્યુઅલ મિનિસ્ટ્રીઝ નામની સંસ્થાએ ત્યાં નિયમિત સભાઓ યોજી અને હોલ જેમિમાના નામે વ્યક્તિગત રીતે બુક કરવામાં આવ્યો.

તેમણે કહ્યું, ક્લબના પ્રમુખે સિક્યોરિટી ડિપોઝિટની રકમ પણ માફ કરી દીધી, જે જીમખાના નિયમોની વિરુદ્ધ છે, જે ધાર્મિક પ્રવૃત્તિઓના પ્રચાર પર પણ પ્રતિબંધ મૂકે છે. થોડા મહિનાઓ પહેલા, MNSના એક નેતાએ ક્લબ અને પછી ખાર પોલીસ સ્ટેશનમાં પણ આ અંગે ફરિયાદ કરી હતી. બીજી સમસ્યા એ હતી કે સભ્યોને બુકિંગ નહોતું મળતું.