Gold Prize Today : સોનાના ભાવ આ વર્ષે સતત રેકોર્ડ બનાવી રહ્યા છે. સોનાએ આજે એમસીએક્સ પર પણ નવો રેકોર્ડ બનાવ્યો છે. સ્થાનિક બજારમાં મંગળવારે (22 એપ્રિલ) સોનાની કિંમત 1.70 ટકાના વધારા સાથે રૂ. 98,930ની આસપાસ ટ્રેડ થઈ રહી છે, જ્યારે ચાંદી 0.63 ટકા વધીને રૂ. 95,850 પ્રતિ કિલો પર છે.
સોનામાં રૂ. 1,650નો ઉછાળો આવ્યો હતો.
સોમવારે રાષ્ટ્રીય રાજધાનીમાં સોનાના ભાવમાં રૂ. 1,650નો વધારો થયો હતો, જે ભાવ રૂ. 1 લાખ પ્રતિ 10 ગ્રામના મનોવૈજ્ઞાનિક નિશાનની નજીક પહોંચ્યો હતો. ઓલ ઈન્ડિયા સરાફા એસોસિએશનના જણાવ્યા અનુસાર, સોમવારે 99.9 ટકા શુદ્ધતાવાળા સોનાની કિંમત 99,800 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગઈ હતી.
શુક્રવારે તેની કિંમત 20 રૂપિયા ઘટીને 98,150 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થઈ ગઈ હતી. સ્થાનિક બજારમાં 99.5 ટકા શુદ્ધતાના સોનાની કિંમત રૂ. 1,600 વધીને રૂ. 99,300 પ્રતિ 10 ગ્રામની નવી ટોચે પહોંચી છે. છેલ્લા ટ્રેડિંગ સેશનમાં તે મામૂલી ઘટાડા સાથે રૂ. 97,700 પ્રતિ 10 ગ્રામ પર બંધ થયો હતો.
આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું સર્વકાલીન ઉચ્ચ સ્તરે છે.
આજે, આંતરરાષ્ટ્રીય બજારમાં સોના અને ચાંદીના ભાવિ ભાવ વધારા સાથે શરૂ થયા છે. કોમેક્સ પર સોનું $3,435.10 પ્રતિ ઔંસ પર ખુલ્યું. અગાઉનો બંધ ભાવ $3,425.30 પ્રતિ ઔંસ હતો. સમાચાર લખવાના સમયે, તે $70.10 વધીને $3,495.30 પ્રતિ ઔંસ પર ટ્રેડ કરી રહ્યું હતું. સોનાના વાયદાના ભાવ આજે $3,500.80 પર ઓલ ટાઈમ હાઈએ પહોંચ્યા હતા. કોમેક્સ પર ચાંદીનો વાયદો $32.64 પર ખૂલ્યો, અગાઉનો બંધ ભાવ $32.52 હતો. સમાચાર લખવાના સમયે, તે $0.03 ના વધારા સાથે $32.55 પ્રતિ ઔંસ પર ટ્રેડ કરી રહ્યો હતો.

ગયા વર્ષે 31 ડિસેમ્બરથી સોનાની કિંમતમાં 20,850 રૂપિયા અથવા 26.41 ટકા પ્રતિ 10 ગ્રામનો વધારો થયો છે. ચાંદીના ભાવ પણ રૂ. 500 વધી રૂ. 98,500 પ્રતિ કિલો થયા છે. પાછલા સત્રમાં ચાંદીનો ભાવ કિલોદીઠ રૂ. 98,000ની સપાટીએ બંધ રહ્યો હતો.
