Gujarat : 1 મે 1960, ભાષાના આધારે દેશના પુનર્ગઠન દરમિયાન “મહાગુજરાત આંદોલન”ના પરિણામે ગુજરાત રાજ્યની સ્થાપના થઈ હતી. આ આંદોલનમાં રવિશંકર મહારાજ, ઈન્દુલાલ યાજ્ઞિક જેવા નેતાઓએ અગત્યની ભૂમિકા ભજવી હતી. રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી તરીકે જીવરાજ મહેતાએ શપથ લીધા અને ગુજરાતે પોતાની નવી રાજકીય સફર શરૂ કરી.
આજનો દિવસ માત્ર એક રાજકીય સ્થિતિનો પરિવર્તન નહીં પરંતુ અસીમ સાંસ્કૃતિક વારસાની ઉજવણી છે. પ્રાચીનકાળમાં ગુજરાતને “આનર્ત પ્રદેશ” તરીકે ઓળખવામાં આવતું અને તેને “પશ્ચિમ ભારતનું ઘરેણું” પણ કહેવાતું. લોથલ અને ધોળાવીરા જેવા સ્થળો પરથી સિંધુ ખીણ સંસ્કૃતિના અવશેષો મળ્યા છે, જે દર્શાવે છે કે ગુજરાતનું ઈતિહાસ માત્ર અઢી હજાર નહીં પણ પાંચ હજાર વર્ષથી વધુ જૂનું છે.
શ્રીકૃષ્ણ દ્વારા વસાવાયેલ દ્વારકા નગરી, ગિરનારના પર્વતો, સોમનાથ મંદિર અને ગાંધીજીના સાબરમતી આશ્રમથી લઈને આજના નર્મદા ડેમ અને GIFT સિટીની ગાથા સુધી ગુજરાતે ઇતિહાસ અને વિકાસ બંનેના પાનાઓ લખ્યા છે.
રાજપૂત, મુઘલ, મરાઠા અને અંગ્રેજ શાસન પછી પણ ગુજરાતની લોકસંસ્કૃતિ અવિભાજ્ય રહી છે. ખાસ કરીને કચ્છ અને સૌરાષ્ટ્રમાં આજે પણ પૌરાણિક અને લોકજીવનની છાપ જોવા મળે છે.

ગુજરાતે માત્ર ભવિષ્યની ઈમારતો જ ઊભી કરી નથી, પણ પૌરાણિક ઇમારતોને સાચવીને નવા યુગ સાથે જોડવાનો એક સુંદર સંવાદ પણ કર્યો છે. ગુજરાત આજે વેપાર, ઉદ્યોગ, પ્રવાસન અને કૃષિ ક્ષેત્રે સમગ્ર દેશમાં આગવું સ્થાન ધરાવે છે.