Valsad : વલસાડ જિલ્લામાં સોશિયલ મીડિયા પર લોકપ્રિય થવાની ઘેલછામાં યુવકો જોખમભર્યા સ્ટંટ કરીને પોતાનો જીવ અને અન્યનું જીવન જોખમમાં મૂકી રહ્યા છે. આવા જીવલેણ સ્ટંટ સામે હવે વલસાડ પોલીસે સખત રવૈયો અપનાવ્યો છે અને છેલ્લા ત્રણ મહિનામાં સામે આવેલા ત્રણ કેસોમાં કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
બીજું દૃશ્ય કપરાડાના પર્યટન સ્થળે જોવા મળ્યું, જ્યાં ત્રણ યુવકો પોતાની કાર ગોળગોળ ફેરવીને સ્ટંટ કરતા નજરે પડ્યા હતા. વીડિયોના આધારે પોલીસ ન માત્ર સ્ટંટ કરનારા યુવકોને, પરંતુ તે વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કરનાર શખ્સને પણ કસ્ટડીમાં લઇ ચૂકી છે.
તાજેતરમાં ધરમપુરમાં હિરેન પટેલ નામના શખ્સે જીપ સાથે જોખમી સ્ટંટ કર્યો હતો અને તેનો વીડિયો સોશલ મીડિયા પર અપલોડ કર્યો હતો. પોલીસે તપાસ કરતાં જાણવા મળ્યું કે હિરેન અગાઉ દારૂની હેરાફેરીના કેસોમાં પણ ઝડપાઈ ચુક્યો છે. ખેરગામ, ધરમપુર અને નાનાપોંઢા પોલીસ સ્ટેશનોમાં તેના સામે જૂના ગુનાઓ નોંધાયેલા છે.
સૌથી પહેલો કેસ પારડી હાઈવેનો છે, જ્યાં એક યુવકે 9 કાર સાથે સ્ટંટ કર્યો હતો. ઘટનાનો વીડિયો વાયરલ થતાં પોલીસ તુરંત હરકતમાં આવી હતી અને તમામ કાર તથા ડ્રાઈવરોને ઝડપી લીધા હતા.

વલસાડના એસ.પી. ડૉ. કરનરાજ વાઘેલાએ જાહેરમાં અપીલ કરી છે કે યુવાઓએ માત્ર સોશિયલ મીડિયામાં “ફેમસ” થવાની લાલચમાં આવી આવા ખતરનાક સ્ટંટ ન કરવા જોઈએ. તેમનો જીવ ખતરામાં મુકાવા ઉપરાંત કાયદાની જાળમાં પણ ફસાઈ શકે છે. પોલીસની ચેતવણી છે કે આવા જોખમી કૃત્યો સામે હવે ‘ઝીરો ટોલરન્સ’ની નીતિથી કાર્યવાહી કરવામાં આવશે.