સરકારે તેલ રિફાઇનરીઓને એલપીજી (LPG) ઉત્પાદન વધારવાનો નિર્દેશ આપવા માટે ‘એસ્મા’ (ESMA) કાયદા હેઠળ કટોકટીની સત્તાઓનો ઉપયોગ કર્યો છે. તેનો હેતુ પશ્ચિમ એશિયામાં વધતા સંઘર્ષને કારણે સંભવિત વિક્ષેપોને પહોંચી વળવા માટે ઘરેલું રસોઈ ગેસની ઉપલબ્ધતા વધારવાનો છે.
ઈરાન-ઈઝરાયેલ યુદ્ધના કારણે મધ્ય પૂર્વમાં સર્જાયેલી પરિસ્થિતિની અસર ભારતમાં તેલ-ગેસ પુરવઠા પર પડી રહી છે. ગેસની ભારે અછત સર્જાઈ છે, જેના કારણે સરકારે નિયમો લાગુ કર્યા છે. ઘરેલું વપરાશનો ગેસ તો જેમ-તેમ મળી રહ્યો છે, પરંતુ કોમર્શિયલ ગેસ સિલિન્ડરની ભારે અછત છે. લોકો ગેસ સિલિન્ડરની સંગ્રહખોરી ન કરે અને એલપીજીનો પુરવઠો ખોરવાય નહીં તે માટે કેન્દ્ર સરકારે આવશ્યક વસ્તુ અધિનિયમ (EC એક્ટ) અને ESMA લાગુ કરી દીધો છે.

સરકારે ઘરેલું રસોઈ ગેસનો અવિરત પુરવઠો સુનિશ્ચિત કરવા માટે આવશ્યક વસ્તુ અધિનિયમ (EC એક્ટ) લાગુ કર્યો છે. તેમણે રિફાઇનરીઓ અને પેટ્રોકેમિકલ યુનિટ્સને એલપીજીનું ઉત્પાદન મહત્તમ કરવા અને મુખ્ય હાઇડ્રોકાર્બન સ્ત્રોતોને એલપીજી પૂલ તરફ વાળવાનો નિર્દેશ આપ્યો છે.
શું છે આ ESMA?
એસેન્શિયલ સર્વિસીસ મેન્ટેનન્સ એક્ટ (ESMA) એ એક કાયદો છે, જે કેટલીક સેવાઓની ડિલિવરી સુનિશ્ચિત કરવા માટે બનાવવામાં આવ્યો છે. આ સેવાઓ લોકોના સામાન્ય જીવન સાથે જોડાયેલી છે અને જો તે પ્રભાવિત થાય તો તેની સીધી અસર સામાન્ય જનતા પર પડે છે. આમાં જાહેર પરિવહન (બસ સેવાઓ), આરોગ્ય સેવાઓ (ડોક્ટરો અને હોસ્પિટલો) જેવી સેવાઓનો સમાવેશ થાય છે.

‘એસ્મા’ કાયદા હેઠળ તેલ રિફાઇનરીઓને નિર્દેશ
સરકારે તેલ રિફાઇનરીઓને એલપીજી ઉત્પાદન વધારવા માટે ‘એસ્મા’ કાયદા હેઠળ કટોકટીની સત્તાઓનો ઉપયોગ કર્યો છે. તેનો ઉદ્દેશ્ય પશ્ચિમ એશિયામાં વધતા તણાવને કારણે પુરવઠામાં આવતા અવરોધોનો સામનો કરવા માટે ઘરેલું રસોઈ ગેસની ઉપલબ્ધતા વધારવાનો છે. નાણાકીય વર્ષ 2024-25માં ભારતનો એલપીજી વપરાશ 3.13 કરોડ ટન હતો, જેમાંથી માત્ર 1.28 કરોડ ટનનું ઉત્પાદન ઘરેલું સ્તરે થયું હતું, જ્યારે બાકીના જથ્થાની આયાત કરવામાં આવી હતી.

હોર્મુઝની સામુદ્રધુની બંધ થવાને કારણે તેલ અને ગેસ સંકટ
ભારતની 85-90 ટકા આયાત સાઉદી અરેબિયા જેવા દેશોમાંથી આવે છે, જે પરિવહન માટે મહત્વપૂર્ણ હોર્મુઝની સામુદ્રધુની (Strait of Hormuz) પર નિર્ભર છે. ઈરાન અને અમેરિકા-ઈઝરાયેલ વચ્ચે છેલ્લા 11 દિવસથી ચાલી રહેલા સંઘર્ષને કારણે આ દરિયાઈ માર્ગ બંધ થઈ ગયો છે. ભારતમાં તેલ શુદ્ધિકરણ (Refining) ક્ષમતા પૂરતી હોવા છતાં એલપીજીના ઉત્પાદનમાં અછતને જોતા સરકારે રિફાઇનરીઓને તેનું ઉત્પાદન વધારવા સૂચના આપી છે.
