• Fri. Jan 16th, 2026

કાળા જાદુ સામે બનેલા નવા કાયદા હેઠળ રાજકોટમાં પહેલો ગુનો નોંધાયો, સ્મશાનમાં વિધી કરનારની ધરપકડ

ગુજરાત પોલીસે સ્મશાનની અંદર કેટલીક ધાર્મિક વિધિઓ કરવા અને તેનો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરવા બદલ 29 વર્ષીય યુવકની ધરપકડ કરી છે. એક અધિકારીએ શુક્રવારે આ જાણકારી આપી હતી. પોલીસે નવા ‘ગુજરાત માનવ બલિદાન અને અન્ય અમાનવીય, દુષ્ટ અને અઘોરી પ્રક્રિયાઓ અને બ્લેક મેજિક પ્રિવેન્શન એન્ડ ઇરેડિકેશન એક્ટ’ હેઠળ પહેલો કેસ પણ નોંધ્યો હોવાનું પણ સામે આવ્યું છે.

રાજકોટ જિલ્લાના ધોરાજી નગરમાં સ્મશાનગૃહમાં ધાર્મિક વિધિનો વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ થયા બાદ પોલીસે 15 ઓક્ટોબરે આરોપી અશ્વિન મકવાણાની ધરપકડ કરી હતી, એમ તેમણે જણાવ્યું હતું. આરોપી પોતાની પાસે અલૌકિક શક્તિ હોવાનો દાવો કરતો હતો.

પોલીસ ઈન્સ્પેક્ટર આર.જે. ગોધમે પુષ્ટિ કરી હતી કે કાળા જાદુ અને આવી અન્ય પ્રવૃત્તિઓ સામે નવા કાયદા હેઠળ નોંધાયેલ આ પ્રથમ એફઆઈઆર છે. તેમણે કહ્યું કે નવો કાયદો 2 સપ્ટેમ્બરથી અમલમાં આવ્યો છે.