અભિજીતે આ આંદોલનની શરૂઆત સુપ્રીમ કોર્ટની એક મૌખિક ટિપ્પણી બાદ કરી હતી. 15 મે 2026 ના રોજ બોગસ ડિગ્રી સંબંધિત એક કેસની સુનાવણી દરમિયાન ચીફ જસ્ટિસ સૂર્યકાંતે કથિત રીતે ટિપ્પણી કરી હતી કે કેટલાક બેરોજગાર લોકો વંદા (કોકરોચ) ની જેમ નકલ કરીને લો (કાયદો), મીડિયા અને આરટીઆઈ (RTI) એક્ટિવિઝમ જેવી વ્યવસ્થામાં ઘૂસી જાય છે.
સોશિયલ મીડિયા (X અને ઇન્સ્ટાગ્રામ) પર છેલ્લા 72 કલાકથી એક અજીબોગરીબ નામ ટ્રેન્ડ કરી રહ્યું છે, તે છે ‘કોકરોચ જનતા પાર્ટી’ (CJP). માત્ર ત્રણ દિવસની અંદર આ ‘રમુજી’ અને કટાક્ષપૂર્ણ રાજકીય મોરચા સાથે દેશના 1 લાખથી વધુ યુવાનો જોડાઈ ચૂક્યા છે અને તેના ઇન્સ્ટાગ્રામ પર 20 લાખથી વધુ ફોલોઅર્સ થઈ ગયા છે. આ સમગ્ર વાયરલ તોફાનના કેન્દ્રમાં 30 વર્ષના અભિજીત દીપકે છે. ઇન્ટરનેટ પર ‘બેરોજગારો અને આળસુઓનો અવાજ’ બનવાનો દાવો કરનારી આ પાર્ટીનો વિચાર અભિજીતના મગજમાં કેવી રીતે આવ્યો અને શું છે તેમનો બેકગ્રાઉન્ડ? ચાલો જાણીએ.
કોણ છે અભિજીત દીપકે?
મૂળ રીતે મહારાષ્ટ્રના ઔરંગાબાદ (છત્રપતિ સંભાજીનગર) ના રહેવાસી અભિજીત દીપકે એક પ્રોફેશનલ પોલિટિકલ કમ્યુનિકેશન સ્ટ્રેટેજિસ્ટ (રાજકીય સંચાર વ્યૂહરચનાકાર) છે. અભિજીતે પુણેથી જર્નાલિઝમ (પત્રકારત્વ) માં પોતાનું ગ્રેજ્યુએશન પૂરું કર્યું. ત્યારબાદ ઉચ્ચ શિક્ષણ માટે તેઓ અમેરિકા ગયા હતા. તેમણે અમેરિકાની પ્રતિષ્ઠિત બોસ્ટન યુનિવર્સિટીમાંથી ‘પબ્લિક રિલેશન્સ’ (PR) માં માસ્ટર ઓફ સાયન્સ (MS) ની ડિગ્રી તાજેતરમાં જ મેળવી છે.
શું છે રાજકીય કનેક્શન
અભિજીત દીપકેનો રાજકીય સંદેશાઓને વાયરલ કરાવવાનો જૂનો અનુભવ રહ્યો છે. વર્ષ 2020 થી 2022 ની વચ્ચે તેઓ આમ આદમી પાર્ટી (AAP) ની સોશિયલ મીડિયા ટીમના એક પ્રમુખ વોલેન્ટિયર હતા. 2020 ની દિલ્હી વિધાનસભા ચૂંટણી દરમિયાન ‘આપ’ ના પક્ષમાં જે મીમ્સનું પૂર આવ્યું હતું, તેની પાછળ અભિજીતનું મગજ હોવાનું માનવામાં આવે છે. તેઓ દિલ્હીના શિક્ષણ વિભાગના કમ્યુનિકેશન્સ એડવાઈઝર તરીકે પણ કામ કરી ચૂક્યા છે.
કેવી રીતે થયો ‘કોકરોચ જનતા પાર્ટી’ નો જન્મ?
મીડિયા અહેવાલો અનુસાર, આ આંદોલનની શરૂઆત સુપ્રીમ કોર્ટની એક મૌખિક ટિપ્પણી બાદ થઈ હતી. 15 મે 2026 ના રોજ બોગસ ડિગ્રી સાથે જોડાયેલા એક કેસની સુનાવણી દરમિયાન ચીફ જસ્ટિસ સૂર્યકાંતે કથિત રીતે ટિપ્પણી કરી હતી કે કેટલાક બેરોજગાર લોકો વંદાની જેમ નકલ કરીને કાયદો, મીડિયા અને આરટીઆઈ એક્ટિવિઝમ જેવી વ્યવસ્થામાં ઘૂસી જાય છે.
જો કે, પાછળથી કોર્ટ તરફથી સ્પષ્ટતા કરવામાં આવી હતી કે આ ટિપ્પણી સામાન્ય બેરોજગાર યુવાનો માટે નહીં પરંતુ બોગસ ડિગ્રી ધારકો માટે હતી, પરંતુ ત્યાં સુધીમાં સોશિયલ મીડિયા પર આક્રોશ ફાટી નીકળ્યો હતો. નીટ (NEET) પેપર લીક અને નોકરી ન મળવાથી પરેશાન યુવાનોના આ ગુસ્સાને અભિજીત દીપકેએ ઓળખી લીધો. તેમણે 16 મેના રોજ એક્સ (X) પર મજાકમાં લખ્યું હતું કે, “જો બધા વંદા એકસાથે આવી જાય તો શું થાય?” અને તેમણે ‘કોકરોચ જનતા પાર્ટી’ નામે એક વેબસાઇટ અને ગુગલ ફોર્મ લાઈવ કરી દીધું.
‘ક્રોનિકલી ઓનલાઈન’ અને ‘પ્રોફેશનલ રડવા વાળા’ જ સામેલ થઈ શકશે!
‘ધ વીક’ ના અહેવાલ મુજબ, અભિજીતે આ પાર્ટીમાં સામેલ થવા માટે જે શરતો રાખી છે, તે આજના ‘જેન-ઝી’ (Gen-Z) યુવાનોને ખૂબ જ પસંદ આવી. તેની પાત્રતામાં લખ્યું હતું કે: બેરોજગાર, આળસુ, ક્રોનિકલી ઓનલાઈન (24 કલાક ઇન્ટરનેટ પર રહેનારા) અને પ્રોફેશનલી પોતાનું દુઃખ રોવાની ક્ષમતા ધરાવતા લોકો.
જોતજોતામાં ટીએમસી (TMC) સાંસદ મહુઆ મોઇત્રા, અખિલેશ યાદવ, કેજરીવાલ, મનીષ સિસોદિયા અને કીર્તિ આઝાદ જેવા મોટા નેતાઓએ પણ સોશિયલ મીડિયા પર આ કટાક્ષને સમર્થન આપ્યું. એક જર્નાલિઝમ પોર્ટલના જણાવ્યા અનુસાર, ભલે આ એક મજાક તરીકે શરૂ થયું હોય, પરંતુ તેનું પરિણામ એ આવ્યું છે કે આ પેપર લીક, બેરોજગારી અને યુવાનોના માનસિક તણાવ પર એક મોટો રાજકીય વિમર્શ (ચર્ચા) બની ચૂક્યું છે.
